અમેરિકાનું રીપર ડ્રોન તોડી પાડ્યાનો, હોર્મુઝમાં સુરંગ સાથે અથડાતાં બે ટેન્કર ખાક થયાનો ઇરાનનો દાવો

વોશિંગ્ટનના સતત સાતમા દિવસના હુમલાના જવાબમાં ઇરાને ધોંસ બોલાવી: કુવૈતમાં અમેરિકી સૈનિકોની ખુવારી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી…

વોશિંગ્ટનના સતત સાતમા દિવસના હુમલાના જવાબમાં ઇરાને ધોંસ બોલાવી: કુવૈતમાં અમેરિકી સૈનિકોની ખુવારી

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાન પર હવાઈ હુમલા શરૂૂ કર્યા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ ઈરાનની લશ્કરી તાકાતને નબળી પાડવાનો હતો.

સૈન્ય કાર્યવાહી વચ્ચે ઈરાને અનેક મોટા દાવા કર્યા છે. ઈરાની મીડિયા અને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના જણાવ્યા મુજબ, બુશેહર ઉપર ઉડી રહેલા અમેરિકાના MQ-9 રીપર ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ઈરાનનો દાવો છે કે, અંદાજે 3.4 કરોડ ડોલરની કિંમત ધરાવતું આ ડ્રોન થોડા જ ક્ષણોમાં નષ્ટ થઈ ગયું. જોકે, અમેરિકા તરફથી આ દાવાની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહસિન રઝાઈએ જણાવ્યું કે જો અમેરિકાના હુમલા હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે તો ઈરાન પોતાની સંપૂર્ણ તાકાત સાથે જવાબી સૈન્ય કાર્યવાહી શરૂૂ કરશે. ઈરાની સેનાએ વધુમાં ચેતવણી આપી છે કે અમેરિકા જે દેશોની જમીન અથવા સૈન્ય મથકોનો ઉપયોગ કરશે, ત્યાં આવેલી અમેરિકન કંપનીઓને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.

દરમિયાન, ઈરાનના સરકારી ટીવી અને તસ્નીમ સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે, હોર્મુઝ જળમાર્ગના દક્ષિણ ભાગમાં સમુદ્રામાં માઇન્સ બિછાવાઇ હોવાના કારણે બે તેલના ટેન્કરો વિસ્ફોટ બાદ આગની ઝપેટમાં આવી ગયા. ઈરાનનું કહેવું છે કે તેણે અગાઉથી જ જહાજોને આ માર્ગનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપી હતી. IRGC એ પણ દાવો કર્યો છે કે અમેરિકી સૈન્ય કાર્યવાહીને કારણે હોર્મુઝ જળમાર્ગ સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયો છે. ઉપરાંત, ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે કુવૈત અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ હુમલા કરવામાં આવ્યા હતા અને જોર્ડનના મુવાફ્ફક સાલ્ટી એર બેઝને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. અહેવાલ મુજબ કુવૈતમાં એરબેઝને ટાર્ગેટ કરાતા કેટલાક અમેરિકી સૈનિકો માર્યા ગયા છે અથવા ઇજા પામ્યા છે.

ઈરાની મીડિયા મુજબ, અમેરિકી હુમલાઓનો વ્યાપ હવે દેશના આંતરિક વિસ્તારો સુધી પહોંચી ગયો છે. યઝ્દ, ફાર્સ અને ખુઝેસ્તાન પ્રાંતના અહવાઝ શહેરમાં અનેક વિસ્ફોટોના અહેવાલ સામે આવ્યા છે. સ્થાનિક મીડિયાએ આ વિસ્તારોમાં મિસાઈલ હુમલા થયા હોવાનો દાવો કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *