રાયપુરમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોના મૃતદેહ મળ્યા

આર્થિક સંકટના કારણે સામૂહિક આત્મહત્યાનું અનુમાન છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંજય નગરમાંથી શુક્રવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે.…

આર્થિક સંકટના કારણે સામૂહિક આત્મહત્યાનું અનુમાન

છત્તીસગઢની રાજધાની રાયપુરના ટિકરાપારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા સંજય નગરમાંથી શુક્રવારે એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક જ મકાનમાંથી એક જ પરિવારના 5 સભ્યોના મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો હોવાનું લાગી રહ્યું છે.

પોલીસ અને એફએસએલની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે અંદરનું દ્રશ્ય હબકાવી દે તેવું હતું. પરિવારના ચાર સભ્યો કોમા જેવી ગંભીર સ્થિતિમાં પડ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું, જ્યારે પરિવારનો મુખ્ય સભ્ય સાજિદ ગંભીર હાલતમાં તરફડી રહ્યો હતો. જોકે, તમામ 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. તપાસ દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક ચિઠ્ઠીઓ મળી આવી છે, જેમાં કોઈ યુવતીને બોલાવવાનો અને એક સંબંધીના ફોન નંબરનો ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરાયો છે.

પોલીસ આ ઘટના પાછળ કોઈ પારિવારિક વિવાદ, આર્થિક સંકટ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી ભારે આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યો હતો. એટલું જ નહીં, કેટલાક લેણદારો અવારનવાર તેમના ઘરે આવીને પૈસાની ઉઘરાણી માટે માનસિક રીતે પરેશાન પણ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *