કાલે રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની અંતિમ વન-ડે ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી એક નવો રેકોર્ડ રચશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જ્યારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેમની એક સાથે રમેલી 400મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ભારતીય ક્રિકેટમાં એક સાથે બે પ્લેયર્સે આટલી મેચ સાથે રમી હોય તેવું આ પહેલાં ક્યારેય નથી થયું. બંને દિગ્ગજ ક્રિકેટર સાથે 399 મેચ રમી ચુક્યા છે. રોહિત અને કોહલી ટેસ્ટ અને ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસની જાહેરાત કરી ચુક્યા છે, જો બંને રમતા હોત તો આ ઈતિહાસ પહેલાં જ રચાયો હોત.
રોહિત શર્મા અને વિરાટ કોહલી હજુ પણ ભારત તરફથી સૌથી વધુ મેચ રમનારી જોડી છે. થોડા સમય પહેલાં બંનેએ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડ્યો હતો. તેઓ 391 મેચ સાથે રમ્યા હતા. રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સાથે 369 મેચ રમ્યા હતા.
રોહિત છેલ્લી આઠ વન-ડેમાં 88.6ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ ફક્ત 241 રન બનાવી શક્યો છે. રોહિતને 2027ના વર્લ્ડ કપ સુધી વન-ડેની ટીમમાં જાળવી રાખવામાં આવશે એવી સંભાવના ન હોવાથી રવિવાર તેની કરીઅરનો અંતિમ દિવસ બની શકે છે. જોકે હજુ સુધી રોહિતે આ અંગે મગનું નામ મરી નથી પાડ્યું કે બીસીસીઆઈએ સત્તાવાર નિવેદન આપ્યું છે કે આવી કોઈ વાત નથી.
સાથે મેચ રમનારી ભારતની ટોપ-6 જોડી
1. રોહિત શર્મા – વિરાટ કોહલી: 399 મેચ
2.સચિન તેંડુલકર – રાહુલ દ્રવિડ: 391 મેચ
3. રાહુલ દ્રવિડ – સૌરવ ગાંગુલી: 369 મેચ
4. સચિન તેંડુલકર – અનિલ કુંબલે: 367 મેચ
5. સચિન તેંડુલકર – સૌરવ ગાંગુલી: 341 મેચ
6. વિરાટ કોહલી – રવિન્દ્ર જાડેજા: 309 મેચ
