કહેવાય છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે.. આવું જ કંઈક હાલમાં 108 ઈમરજન્સીની ટીમે કરી દેખાડ્યું. પરિવાર માટે બાળકના જન્મની ખુશી સૌથી અનોખી હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં જન્મ બાદ બાળક નિષ્પ્રાણ જોવા મળે છે. ત્યારે નવજાતને બચાવવાની કાબેલિયતનું ઉત્તમ ઉદાહરણ 108 ઈમરજન્સી ટીમે પૂરું પાડ્યું છે.
આ અંગે 108 સેવાના પ્રોજેક્ટ મેનેજર યોગેશ જાનીએ જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા દડવા હમીરપર 108ની ટીમે નિષ્પ્રાણ બાળકને સી.પી.આર. અને કૃત્રિમ શ્વાસ અપાવી બાળકને ફરી જીવંત કર્યું હતું. આવી જ ઘટના હાલમાં મેતા ખંભાળિયા ગામના શ્રમિક પરિવારની પ્રસૂતા મહિલાના કેસમાં જોવા મળી છે. જેમાં નવજાત બાળકના જન્મ સમયે ધબકારા બંધ જોવા મળતા ગોંડલના દેરડી કુંભાજી ગામની 108ની ટીમ સંજીવની બની નિશ્ચેતન બાળકને નવજીવન અપાવ્યું છે.
આ અંગે વિગતે વાત કરતા જાનીએ કહ્યું કે, મેતા ખંભાળિયા ગામથી રાત્રીના 1:30 કલાકે 108 નંબર પર સગર્ભા મહિલાની મદદ માટે કોલ આવે છે. કોલ મળતાની સાથે જ પાયલોટ સાગરભાઈ અને ઈ.એમ.ટી. નિખિલભાઈ લકુમ તાત્કાલિક જણાવ્યા મુજબના સ્થળ પર પહોંચ્યા હતાં. સ્થળ પર પહોચતાં 108ની ટીમને જાણવા મળ્યું કે, માતા પ્રેમિલાબેનની ડીલેવરી થઈ ગયેલી છે, પરંતુ આસપાસ ખુબજ સન્નાટો જોવા મળ્યો. આ અંગે કારણ તપાસતા જાણવા મળ્યું કે, નવજાત બાળકમાં કોઈ પણ હલન ચલન જોવા મળ્યું નહી, ને બાળક તદ્દન નિષ્પ્રાણ અવસ્થામાં હતું.
પરિસ્થિતિની ગંભીરતા સમજીને નિખિલભાઈએ બાળકને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈ જઈ તેના ધબકારા પાછા લાવવા માટે સી.પી.આર. આપવાનું ચાલુ કર્યું, સાથોસાથ બી.વી.એમ. દ્વારા કૃત્રિમ શ્વાસ આપવાની પ્રક્રિયા હાથ ધરી. વધુમાં માર્ગદર્શન માટે તજજ્ઞ ડો. મહેશ સાથે સતત ટેલિફોનિક સંપર્ક રાખી તેમના માર્ગદર્શન મુજબ આગળ વધતા રહ્યા.
કેટલીક મિનિટોની મહેનત બાદ બાળકના શરીરમાં ચેતનાનો સંચાર થયો. બાળકના પ્રથમ રુદનના અવાજની સાથેજ એમ્બ્યુલન્સમાં હાજર સૌ લોકોએ હાશકારો અનુભવ્યો, ને તેમના પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ છલકાયા. મહિલા પ્રેમિલાબેનની 8માં મહિને જ પ્રિમેચ્યોર ડિલિવરી હોય બાળકના સ્વાસ્થ્યમાં પર આ પ્રમાણે અસર જોવા મળી હતી. 108 ટીમે માતા પ્રેમીલાબેન અને બાળકને વધુ સારવાર્થે ગોંડલની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ ખાતે સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતાં. 108ની ટીમની કાબેલિયતથી વધુ એક બાળકનું જીવન બચતા સમગ્ર પરિવાર દ્વારા ટીમનો આભાર માનવામાં આવ્યો હતો. જ્યારે 108 પરિવાર દ્વારા પણ ઈ.એમ.ટી. નિખિલ લકુમને અભિનંદન પાઠવવામાં આવ્યાં છે.
