અમેરિકા હવે ઇરાનમાં ભૂમિયુદ્ધની તૈયારીમાં

હવાઇ હુમલા છતાં ઇરાન મચક આપતું ન હોઇ અન્ય વિકલ્પો પર વિચારણા: પાંચમા દિવસે પણ બન્ને દેશો દ્વારા પરસ્પર હુમલા જારી મધ્ય-પૂર્વનું આકાશ ફરી એકવાર…

હવાઇ હુમલા છતાં ઇરાન મચક આપતું ન હોઇ અન્ય વિકલ્પો પર વિચારણા: પાંચમા દિવસે પણ બન્ને દેશો દ્વારા પરસ્પર હુમલા જારી

મધ્ય-પૂર્વનું આકાશ ફરી એકવાર દારૂૂગોળાની ગંધથી ભરાઈ ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ગતિરોધ હવે એવા વળાંક પર આવી પહોંચ્યો છે, જ્યાંથી પરત ફરવાના રસ્તા લગભગ બંધ થતા જણાય છે. તાજેતરના અહેવાલો અને અમેરિકી વહીવટીતંત્રના આંતરિક વર્તુળોમાંથી આવતી ચર્ચાઓ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર હવે માત્ર હવાઈ હુમલાઓ સુધી મર્યાદિત રહેવાના મૂડમાં નથી. વ્હાઇટ હાઉસમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ઈરાન પર ‘જમીની કાર્યવાહી’ અંગે એક ગંભીર યોજના પર મંથન થયું છે, જે સમગ્ર પ્રદેશમાં મોટું ભૂ-રાજકીય પરિવર્તન લાવી શકે છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકી વહીવટીતંત્રે ઈરાન વિરુદ્ધ ત્રણ મુખ્ય વિકલ્પો પર વિચારણા કરી છે. સૌથી ચર્ચિત અને ચોંકાવનારો વિકલ્પ ‘ખાર્ગ ટાપુ’ પર કબજો કરવાનો છે. ખાર્ગ ટાપુ ઈરાનનું સૌથી મોટું તેલ નિકાસ કેન્દ્ર છે. જો અમેરિકા અથવા તેના સહયોગી દેશો આ ટાપુ પર નિયંત્રણ મેળવી લે, તો તે તેહરાન માટે એક એવો ઘા હશે જેનાથી તેમની અર્થવ્યવસ્થા ડગમગી જશે.

આ ઉપરાંત, અન્ય વિકલ્પોમાં ઈરાનના મુખ્ય ‘પિકેક્સ માઉન્ટેન કોમ્પ્લેક્સ’ને નિશાન બનાવવું અને દેશભરમાં ફેલાયેલા ઉર્જા પ્લાન્ટ્સ પર હવાઈ હુમલાનો વ્યાપ વધારવાનો સમાવેશ થાય છે. તે સ્પષ્ટ છે કે અમેરિકા હવે ઈરાનની આર્થિક અને સૈન્ય કરોડરજ્જુ પર સીધો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

જોકે ચર્ચાઓ ખૂબ તેજ છે, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ખાર્ગ ટાપુ પર સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશન માટે અમેરિકા પોતાની સેના સીધી મોકલવાને બદલે તેના કોઈ નજીકના ‘સહયોગી દેશ’ની મદદ લઈ શકે છે. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનો આક્રમક અભિગમ પણ આ દિશામાં ઈશારો કરી રહ્યો છે.

તાજેતરમાં, કુરાકાઓ ધ્વજ ધરાવતા એક ઓઈલ ટેન્કરને ચેતવણી છતાં ન રોકાવા પર નષ્ટ કરી દેવું, તે દર્શાવે છે કે અમેરિકા હવે કોઈ પણ પ્રકારની ઢીલ આપવાના મૂડમાં નથી. દરિયાઈ નાકાબંધી ફરીથી લાગુ કરવી એ ઈરાનને અલગ-થલગ કરવાની એક સુનિયોજિત રણનીતિનો ભાગ છે.

બીજી તરફ, અમેરિકા તરફથી મળી રહેલા આ પડકારોની વચ્ચે, ઈરાન પણ ચૂપ બેઠું નથી. રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ કુવૈત, જોર્ડન અને બહેરીનમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલાઓથી આરિફજાન, અલી અલ સલેમ, જુફેર અને શેખ ઈસા જેવા મહત્વના સૈન્ય બેઝ પ્રભાવિત થયા છે. અગાઉ અમેરિકાએ ગઇકાલે બીજીવાર હુમાલ કરી ઇરાનના ચાબહાર અને અબ્બાસ બંદરો સહીતના શહેરોમાં લશ્કરી લક્ષ્યાંકોને નિશાન બનાવ્યા છે.

આ સંઘર્ષની વચ્ચે સૌથી ચિંતાજનક પાસું માનવીય દુર્ઘટના છે. ઈરાનના અહવાઝ શહેરમાં થયેલા હુમલાઓએ માત્ર સૈન્ય મથકોને જ નહીં, પરંતુ નાગરિક વિસ્તારોને પણ પોતાની લપેટમાં લીધા છે. શહીદ બઘઈ હોસ્પિટલ, જે બાળકોના કેન્સરની સારવાર માટે જાણીતી છે, તેને પણ ખાલી કરાવવી પડી હતી. સ્થાનિક મીડિયા મુજબ, હુમલાઓને કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. આરોગ્ય મંત્રાલયના આંકડા દર્શાવે છે કે તાજેતરના દિવસોમાં થયેલા હુમલાઓમાં 35 લોકોના મોત થયા છે અને 300ને ઇજા થઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *