અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો રિપોર્ટ ઓકટોબરમાં તૈયાર થશે : AAIB

ગત 12 જૂન, 2025ના રોજ 260 લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે.…

ગત 12 જૂન, 2025ના રોજ 260 લોકોનો ભોગ લેનારા અમદાવાદના ગોઝારા પ્લેન અકસ્માતનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિના સુધીમાં તૈયાર થવાની શક્યતા છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી)એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171ને નડેલા અકસ્માતના કારણોની તપાસનો ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ઓક્ટોબર સુધીમાં તૈયાર થઈ શકે છે.

સર્વોચ્ચ અદાલતમાં સુપરત કરેલાં વિગતવાર સોગંદનામામાં એએઆઈબીએ જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને નડેલાં ગંભીર અકસ્માતમાં માત્ર સ્થાનિક તપાસ નહીં પરંતુ, શિકાગો ક્ધવેન્શન તથા ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનના પરિશિષ્ટ 13 અનુસાર સંચાલિત આંતરરાષ્ટ્રીય નિયમો અને માપદંડો આધારે તપાસ કરવામાં આવે છે. એરક્રાફ્ટના અકસ્માતની તપાસનો એકમાત્ર ઉદ્દેશ્ય હવાઈ મુસાફરીની સુરક્ષા વધારવાનો તથા ભવિષ્યમાં આવા અકસ્માત નિવારવાનો છે. તેનો હેતુ કોઈની પર દોષારોપણ કરવાનો કે દિવાની કે ફોજદારી જવાબદારી થોપવાનો નથી. તમામ શક્યતાઓને ધ્યાનમાં લેતાં આ ડ્રાફ્ટ ફાઈનલ રિપોર્ટ ઓક્ટોબર, 2026માં તૈયાર થાય તેવી શક્યતા છે.

એએઆઈબીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય-સ્થાનિક કાનૂની જોગવાઈઓ હેઠળ સંવેદનશીલ તપાસની ગુપ્તતા અંગે કડક પાબંદીઓ લાગુ કરાયેલી છે. જેમાં સાક્ષીઓના નિવેદનો, કોકપિટ વોઈસ રેકોર્ડરનું રેકોર્ડિંગ, એર ટ્રાફિક ક્ધટ્રોલ કમ્યુનિકેશન્સ, તબીબી માહિતી તથા અન્ય સંરક્ષિત રેકોર્ડ્સ વગેરેનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થઈ જતાં 260 લોકોના મૃત્યુ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *