25.94 લાખની વ્યાજે લીધા હતા જેની સામે 22 લાખ ભરપાઇ કરી દીધા છતાં વધારાના 31 લાખ માગી ત્રાસ આપ્યા: કેપરી ગ્લોબલ ફાયનાન્સ નામની ખાનગી પેઢીના ત્રણ શખ્સો વિરૂધ્ધ મૃતકની સ્યુસાઇડ નોંધના આધારે નોંધાયો ગુનો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને ભંગાર-સ્ક્રેપનો વ્યવસાય કરતા આશિષભાઈ કિશોરભાઈ ચાંદ્રા (ઉ.વ. 37)એ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હોવાના બનાવમાં પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધ્યો છે. મૃતકના મોટા ભાઈ અમરીશભાઈ કિશોરભાઈ ચાંદ્રાની ફરિયાદના આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ આશિષભાઈએ વર્ષ 2018માં કેપરી ગ્લોબલ ફાઈનાન્સ પાસેથી માતાના નામના મકાન પર મોર્ગેજ રાખી આશરે રૂૂ. 25.94 લાખની લોન લીધી હતી. પિતાના વર્ષ 2019માં હાર્ટ એટેકથી અવસાન બાદ તેઓ ડિપ્રેશનમાં આવી જતા ધંધો બંધ થઈ ગયો હતો, જેના કારણે લોનના હપ્તા સમયસર ભરાઈ શક્યા નહોતા. ફરિયાદમાં જણાવ્યા મુજબ આશિષભાઈએ અત્યાર સુધી આશરે રૂૂ. 22 લાખની રકમ ભરપાઈ કરી હોવા છતાં વધુ રૂૂ. 31 લાખ જેટલી રકમ બાકી હોવાનું કહી કેપરી ગ્લોબલ ફાઈનાન્સના મેનેજર નયનભાઈ મૌરી તથા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા વાઘેલા હપ્તા ભરવા માટે સતત દબાણ કરતા હતા.
આર્થિક સંકડામણ વચ્ચે આશિષભાઈએ લોનના હપ્તા ભરવા માટે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર પાસેથી વ્યાજે રૂૂપિયા લીધા હતા. ફરિયાદ મુજબ આ ત્રણેય આરોપીઓ સતત વ્યાજની ઉઘરાણી કરી ધમકીઓ આપતા અને માનસિક ત્રાસ પહોંચાડતા હતા.
ઘટનાના એક દિવસ અગાઉ આશિષભાઈએ તેમના ભાઈને ફોન કરી પોતે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયા હોવાનું તથા ઉઘરાણીના દબાણથી પરેશાન હોવાનું જણાવ્યું હતું.
ઘટનાના દિવસે પડોશીએ આશિષભાઈને તેમના ઘરે બેભાન હાલતમાં જોઈ 108 એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે નિલેશ રઘુભાઈ ગંઢા, શિવરાજસિંહ ઉર્ફે શિવો નરેન્દ્રસિંહ જાડેજા અને મુનાભાઈ વલ્લભભાઈ વસિયર સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂૂ કરી છે. ફરિયાદમાં તપાસ દરમિયાન જવાબદાર જણાય તેવા અન્ય વ્યક્તિઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
