ભવ્ય નેત્રોત્સવ વિધિ સંપન્ન, શંખનાદ સાથે નિજ મંદિરના શિખર પર ધ્વજારોહણ

અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આજે મંદિર પરિસરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ…

અમદાવાદની આગામી 149મી જગન્નાથ રથયાત્રાના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આજે મંદિર પરિસરમાં સવારથી જ પરંપરાગત અને શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજી ભાઈ સાથે પોતાના મોસાળ સરસપુર ખાતેથી પરત ફર્યા બાદ આજે મંદિરમાં ભવ્ય ‘નેત્રોત્સવ વિધિ’ યોજાઈ હતી.

હિન્દુ શાસ્ત્રોની માન્યતા અનુસાર મોસાળમાં અતિથિ સત્કાર અને મીઠાઈઓ આરોગવાને કારણે ભગવાનની આંખો આવી હોય છે, જેથી તેમના નેત્રો પર પાટા બાંધવામાં આવે છે અને રથયાત્રાના આગલા દિવસે આ પાટા ખોલવાની પવિત્ર વિધિ કરવામાં આવે છે.

આ પવિત્ર નેત્રોત્સવ પૂજન વિધિમાં રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી હતી. તેમણે આરતી અને વિશેષ પૂજા અર્ચના કરીને રાજ્યની શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ માટે ભગવાન જગન્નાથના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના ઉચ્ચ રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને અગ્રણી સાધુ-સંતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નેત્રોત્સવ વિધિ સંપન્ન થયા બાદ મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર અને શંખનાદ સાથે જગન્નાથજીના નિજ મંદિરના ગગનચુંબી શિખર પર પરંપરાગત નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *