શહેરના નાનામવા ગામમાં બહુચર્ચિત હત્યા કેસમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોરના નિરીક્ષણ હેઠળ સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશનની ટીમની રચના કરવામાં આવી છે. અને એસઆઈટી દ્વારા કાયદાકીય ગાળિયો વધુ મજબૂત કરવામાં આવી રહ્યો છે. આ સનસનાટીભર્યા ગુનાહિત કૃત્યના મુખ્ય સૂત્રધાર રણજીત વાળાનો જેલ માંથી કબજો લેવામાં આવ્યો છે. તેની રિમાન્ડ મેળવાયા બાદ હથિયારોના સપ્લાયર અંગે પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
ગાંધીગ્રામ-2 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગોપાલસિંહ જાડેજાના ભત્રીજા કૃષ્ણસિંહ જાડેજાની તેના ઘર નજીક ગોળી મારીને ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી. આ ચકચારી મર્ડર કેસની તપાસ સંપૂર્ણપણે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અને એસઆઈટીની રચના કરવામાં આવી હોય જેમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ એમ.એલ.ડામોર સાથે પીએસઆઈ સી.બી.જાડેજા અને અન્ય બે પોલીસ સ્ટાફની નિમણુંક કરવામાં આવી છે.
આ કેસમાં મુખ્ય આરોપી રણજીત વાળા ઈજાગ્રસ્ત થયા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને બાદમાં તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. ગુનામાં વપરાયેલા હથિયાર ઉપરાંત અન્ય એક ગેરકાયદેસર હથિયાર તેની વાડીએ થી કબજે કરવામાં આવ્યું હતું. આ બંને હથિયારો રણજીત ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો, તે અંગે સઘન પૂછપરછ માટે રણજીત વાળાનો જેલ માંથી કબજો લેવામાં આવ્યો છે અને હવે તેની રિમાન્ડ ઉપર પુછપરછ કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીની ઊંડાણપૂર્વકની પૂછપરછ દરમિયાન હથિયાર સપ્લાય કરનાર નેટવર્ક અંગેના મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે.આ ગુનામાં મુખ્ય આરોપી રણજીત ઉપરાંત તેનો પુત્ર રાજવીર અને એક સગીર પણ સંડોવાયેલા હતા. રાજવીરની રિમાન્ડની અવધિ પૂર્ણ થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો છે, જ્યારે સગીર વયના આરોપીને બાળ અદાલતમાં મોકલી અપાયો છે.હાલ એસઆઈટી આરોપીઓ વિરૂૂદ્ધ સજ્જડ અને મજબૂત પુરાવાઓ એકત્રિત કરવા માટે તજવીજ ચલાવી રહી છે.
