જેતપુરના યુવાનને વ્યાજના ચક્રમાં ફસાવી બળજબરીપૂર્વક ચેક પડાવી લઇ ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. દવાખાનાના ખર્ચ માટે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં રૂૂ.1.50 લાખ 10 ટકા વ્યાજે લેનાર યુવાનને વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનવું પડ્યું છે. આ મામલે ભાયાવદર પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, જેતપુરની રણુજા સોસાયટીમાં રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ મૂળજીભાઈ વાળા (ઉં.વ. 40) એ આ મામલે ભાયાવદર પોલીસ મથકમાં વત્સલભાઈ કુંડારીયા તેની પત્ની જીંકલબેન વત્સલભાઈ કુંડારીયા અને હાર્દિકભાઈ હરેશભાઈ ઠકરાણી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ડિસેમ્બર 2025માં તેમના પરિવારમાં તબીબી સારવારનો મોટો ખર્ચ આવી પડતાં, તેમણે પરિચિતો મારફતે ભાયાવદરના વત્સલભાઈ કુંડારીયાનો સંપર્ક કર્યો હતો.
વિજયભાઈએ પોતાની હોન્ડા અમેઝ ગાડી જીજે -01-એચ.ઝેડ-9191 ગીરો મૂકીને વત્સલભાઈ પાસેથી 10 ટકાના માસિક વ્યાજે રૂૂ. 1,50,000 લીધા હતા. વત્સલભાઈએ શરૂૂઆતમાં જ વ્યાજ પેટે રૂૂ. 15,000 કાપી લીધા હતા અને સિક્યોરિટી તરીકે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના બે કોરા સહી કરેલા ચેક બળજબરીથી પડાવી લીધા હતા. ત્યારબાદ વત્સલભાઈના પત્ની જીંકલબેને પણ અવારનવાર ફોન કરીને વ્યાજની ઉઘરાણી શરૂૂ કરી હતી.
જ્યારે વત્સલભાઈએ પોતાના મૂળ નાણાંની તાકીદે ઉઘરાણી કરી, ત્યારે વિજયભાઈ પાસે સગવડ ન હોવાથી વત્સલભાઈના માણસોની મધ્યસ્થીથી આ ગાડી કુતિયાણાના ઈશ્વરીયા ગામે રહેતા હાર્દિકભાઈ હરેશભાઈ ઠકરાણી પાસે ફરી ગીરો મુકાવવામાં આવી હતી. હાર્દિકભાઈએ 5 ટકાના માસિક વ્યાજે રૂૂ. 1,40,000 આપવાનું નક્કી કર્યું, જેમાં પણ રૂૂ. 5,000 એડવાન્સ વ્યાજ કાપી લેવાયું હતું અને સિક્યોરિટી તરીકે અન્ય બે કોરા ચેક પડાવી લેવાયા હતા. આ નાણાં વત્સલભાઈને ચૂકવી દેવામાં આવ્યા હોવા છતાં, વ્યાજખોરોની લાલચ શાંત થઈ ન હતી.
વિજયભાઈએ સમયસર વ્યાજની રકમો ચૂકવી દીધી હોવા છતાં, આરોપી વત્સલભાઈ અને તેમના પત્ની જીંકલબેને સામાન્ય ઈરાદો પાર પાડવા માટે સિક્યોરિટી તરીકે રાખેલો કોરો ચેક બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યો હતો અને વકીલ મારફતે કાયદેસરની નોટિસ મોકલી ધમકી આપી હતી. વ્યાજખોરોના સતત માનસિક ત્રાસ અને ઉઘરાણીથી કંટાળીને આખરે વિજયભાઈએ પોલીસના શરણ જવાનું નક્કી કર્યું હતું. તેમની પાસે આરોપીઓની વ્યાજખોરીના ઓડિયો રેકોર્ડિંગ રજૂ કર્યા હતા. ભાયાવદર પોલીસે આ મામલે વત્સલભાઈ કુંડારીયા તેની પત્ની જીંકલબેન વત્સલભાઈ કુંડારીયા અને હાર્દિકભાઈ હરેશભાઈ ઠકરાણી સામે હેઠળ ગુનો નોંધ્યો હતો.
