મહેન્દ્રનગર ચોકડીથી કલેકટર કચેરીએ જઇ આવેદનપત્ર અપાશે, સરકારના પરિપત્રનો વિરોધ
આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર કાંતિભાઇ અમૃતિયાના ભાઇના સ્ટોનક્રશર ઉપર સરકારી દરોડા
ખેડૂત આંદોલન પાર્ટ-2 પૂર્ણ થયા બાદ જેતપર ગામે સમગ્ર ગુજરાતના ખેડૂતોની બે દિવસીય મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. આ બેઠકમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે આ નવો પરિપત્ર તેઓને કોઈપણ સંજોગોમાં માન્ય નથી. આ વિષય સાથે હવે ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા ’સત્યાગ્રહ પાર્ટ-3’ ની સત્તાવાર જાહેરાત કરીને આવતીકાલે મંગળવારે મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે એક વિશાળ પદયાત્રાનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ, તારીખ 14 જુલાઈ 2026 ને મંગળવારના રોજ સવારે 9:00 વાગ્યે મહેન્દ્રનગર ચોકડી ખાતે ગુજરાતભરમાંથી તમામ ખેડૂત ભાઈઓ તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્રિત થશે. ત્યાંથી આ શાંતિપૂર્ણ સત્યાગ્રહ પદયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પદયાત્રામાં વધુમાં વધુ જનમેદની ઉમટે તે માટે સંગઠન દ્વારા તમામ ખેડૂત પરિવારો અને મહિલા શક્તિને પદયાત્રામાં જોડાવવા માટે જોરશોરથી હાકલ કરવામાં આવી રહી છે.
મોરબી શહેરમાંથી પસાર થનારી આ પદયાત્રાના શિસ્તબદ્ધ સંચાલન માટે અગાઉથી જ આખો રૂૂટ જાહેર કરી દેવામાં આવ્યો છે. જે મુજબ પદયાત્રા 1. મહેન્દ્રનગર ચોકડી (પ્રસ્થાન સ્થળ), 2. સર્કિટ હાઉસ, 3. ગેંડા સર્કલ, 4. નટરાજ ફાટક, 5. શોભેશ્વર રોડ થઇ 6. કલેક્ટર કચેરીએ પહોંચી બપોરે 12:00 કલાકે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર સુપ્રત કરવામાં આવશે.
બીજી તરફ ખેડુત આંદોલનમાં સરકાર ને પુર્વ જીલ્લા કલેક્ટર ને આડેહાથે લઈ બેફામ વાણી વિલાસ કરનાર રાજ્ય ના મંત્રી કાંતિભાઇ અમૃતીયાના ભાઈ રાકેશ અમૃતીયા સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ વિભાગને PGVCL એ ઓચીંતુ ચેકિંગ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે રાજય મંત્રીના ભાઈ હોવા છતા તેના કારખાને રેડ કેમ પડી. કોના ઈશારે પડી એ અનેક બાબતે તર્ક વિતર્ક સવાલો ઉઠી રહીયા છે.
મોરબીમાં ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલની ટીમે રાજ્યમંત્રી કાન્તિભાઈ અમૃતિયા ના ભાઈ રાકેશભાઈ. (કારુભાઈ) અમૃતિયાના ટીબડી પાટિયા પાસે આવેલ ડેલ્ટા સ્ટોન ક્રશર કારખાને ચેકીંગ હાથ ધર્યું હતું. કારૂૂભાઈ અમૃતિયા છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલનમાં સક્રિય છે અને તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યારે અચાનક તેમના કારખાને ચેકિંગ થતા અનેક તર્ક-વિતર્કો શરૂૂ થયા છે. જો કે ખાણ ખનીજ વિભાગે આ રૂૂટિન ચેકીંગ હોવાનું જણાવ્યું છે.
રાકેશભાઈ (કારુભાઈ) અમૃતિયા જણાવ્યું હતું કે ખાણ ખનીજ અને PGVCL ની ટીમ તેમના સ્ટોન ક્રશર કારખાને આવી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે આવા કોઈ દબાણથી કે ચેકિંગથી હું ડરતો નથી, કારણ કે તેઓ તમામ રોયલ્ટી અને ટેક્સ કાયદેસર રીતે ભરે છે.
ખેડૂત આંદોલનમાં સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર રાજ્યમંત્રી કાન્તિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ (કારૂૂભાઈ) અમૃતિયાના સ્ટોન ક્રશર ઉપર ખનિજ વિભાગ અને પીજીવીસીએલની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અધિકારીઓની ટીમે રોયલ્ટી બુક, સ્ટોક અને ખાણમાંથી કેટલું ખનન કરવામાં આવ્યું છે તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
ખેડૂતોનો બીજો મોરચો ખોલતા નિલેશ એરવાડિયા, 18મીએ ‘કિસાન પંચાયત’
વીજલાઈનના વળતરને લઈ મોરબીના જેતપરથી શરૂૂ થયેલા ખેડૂત આંદોલનને રાજ્યભરમાંથી ભારે સમર્થન મળી રહ્યું છે, ત્યારે હવે મોરબી જિલ્લામાંથી ખેડૂતોના પ્રશ્ને બીજો મોરચો ખુલ્યો છે. જેતપરના ખેડૂતોએ આગામી મંગળવારે વિશાળ પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, તો બીજી તરફ તાજેતરમાં ઉપવાસ આંદોલન દરમિયાન હકાભા ગઢવી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપો બાદ જેતપર છાવણીથી છુટ્ટા થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ મોરબીક્રાંતિકારી નવા આંદોલનની જાહેરાત કરી છે. તેમણે ખેડૂતોની સુરક્ષા અને હકો માટે ’સરદાર સેના’ ની સત્તાવાર રચના કરી આગામી શનિવાર, તારીખ 18 ના રોજ મોરબી જિલ્લામાં તમામ 18 વર્ણના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય ’કિસાન પંચાયત’ યોજવાનું એલાન કર્યું છે. નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ચાલી રહેલા અન્ય સંગઠનો કરતાં આ સેના તદ્દન અલગ અને અનોખી રીતે કામ કરશે. દેશની સરહદો પર જેમ સૈનિકો રાષ્ટ્રની રક્ષા કરે છે, તેમ ’સરદાર સેના’ ખેડૂત સમાજની સુરક્ષા કરશે. આ સેનાની સીધી કામગીરી સરકારી તંત્ર, પોલીસ પ્રશાસન અને બેજવાબદાર ખાનગી કંપનીઓ સામે રહેશે. જો સરકારી તંત્ર કાયદો અને બંધારણને નેવે મૂકીને ખેડૂતો સાથે કોઈ પણ પ્રકારની મનમાની કે દાદાગીરી કરશે, તો સરદાર સેના પણ તેની સામે ઈંટનો જવાબ પથ્થરથી આપવા મેદાને પડશે. આ અભિયાનની શરૂૂઆત મોરબી જિલ્લાથી થઈ રહી છે અને આગામી સમયમાં ગુજરાતના દરેક જિલ્લામાં સરદાર સેનાનું વિસ્તરણ કરવામાં આવશે. પોતાના પર લાગેલા 25 કરોડ રૂૂપિયાના સેટિંગના આક્ષેપો અંગે નિલેશ એરવાડિયાએ ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, “મેં કોઈનો 1 રૂૂપિયો પણ લીધો નથી. આક્ષેપ કરનારા ભાજપના નેતાઓ અને આગેવાનોને પૂછવું જોઈએ કે આ સેટિંગ ક્યાં થયું હતું? કમલમમાં, ગાંધીનગરમાં, કૃષિ મંત્રી પાસે, ઊર્જા મંત્રી પાસે, ગૃહ મંત્રી પાસે કે મુખ્યમંત્રી પાસે? મેં કોઈ સેટિંગ કર્યું નથી.” ભાજપના કેટલાક લોકો દ્વારા તેમની છબીને ડેમેજ કરવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ તેઓ ખેડૂતોની આઝાદી માટે પોતાના અંતિમ શ્વાસ સુધી લડતા રહેશે.
