રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને હવે દોઢ મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આયોજનને લઈને તંત્ર અને વેપારીઓ સામસામે આવી ગયા છે. એક તરફ તંત્રની ધીમી ગતિને કારણે વેપારીઓમાં મૂંઝવણ છે, તો બીજી તરફ ટિકિટના ભાવ વધારાને લઈને રાઈડ સંચાલકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
સાતમ-આઠમના તહેવાર દરમિયાન યોજાતા આ મેળા માટે અત્યાર સુધીમાં જે તૈયારીઓ પૂર્ણ થઈ જવી જોઈએ, તે હજુ શરૂૂ પણ થઈ નથી. વેપારીઓ જણાવી રહ્યા છે કે, હજુ સુધી તંત્ર દ્વારા ફોર્મ વિતરણ કે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા નથી. દોઢ મહિનાનો સમય બાકી છે, ત્યારે સામાનની ખરીદી કે અન્ય આગોતરી તૈયારીઓ કેવી રીતે કરવી તે મોટો પ્રશ્ન છે. અન્ય રાજ્યોમાંથી આવતા રાઈડ સંચાલકોને મંજૂરી મેળવવામાં અને સામાન લાવવામાં 15થી 20 દિવસનો સમય લાગે છે, જે આ વર્ષે જોખમમાં મુકાઈ રહ્યો છે.
ભાવ વધારા મુદ્દે આર-પારની લડાઈ રાઈડ સંચાલકોના આગેવાન ઝાકીરભાઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ વખતે 20 થી 30 ટકા ભાવ વધારો અનિવાર્ય છે. ડીઝલ અને ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં તોતિંગ વધારો થયો છે.
અન્યાયનો આરોપ: છેલ્લા કેટલાય વર્ષોથી પ્લોટના ભાડામાં તંત્ર દ્વારા 5 થી 10 ટકાનો વધારો કરવામાં આવે છે, પરંતુ ટિકિટના દરોમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. જો લોકમેળા સમિતિ ભાવ વધારો નહીં આપે, તો કોઈ પણ રાઈડ સંચાલક ફોર્મ ઉપાડશે નહીં.
લોકમેળા સમિતિનું વલણ અકબંધ બીજી બાજુ, લોકમેળા સમિતિના સૂત્રોનું માનીએ તો, આ વર્ષે પણ ટિકિટ કે અન્ય કોઈ પણ વસ્તુમાં ભાવ વધારો મંજૂર કરવામાં આવશે નહીં તેવું વલણ જોવા મળી રહ્યું છે. એક તરફ સમિતિ નમતું જોખવા તૈયાર નથી અને બીજી તરફ રાઈડ સંચાલકોની હઠને કારણે લોકમેળાનું આયોજન હાલમાં અધ્ધરતાલ લટકી ગયું છે.
