છેલ્લા 24 કલાકમાં માત્ર 60 તાલુકામાં હળવો વરસાદ, આજે સવારથી રાજ્યભરમાં મેઘરાજાનો વિરામ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મોડા સક્રિય થયેલા ચોમાસાએ સુરત, નવસારી, વલસાડ, વાપી, અમરેલી, સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લાઓને ધમરોળી નાખ્યા બાદ વરસાદનો પ્રથમ રાઉન્ડ પુરો થયો હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં 60 તાલુકામાં માત્ર હળવો વરસાદ પડ્યો છે. માત્ર નાનાપોંઢા અને કપરાડામાં એક ઇંચથી વધુ વરસાર નોંધાયો છે. જયારે આજે સવારથી સમ્રગ ગુજરાતમાં વરાપ નીકળી છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સરેરાશ 24.63 ટકા વરસાદ વરસી ગયો છે. પરંતુ કચ્છમાં 9 માંથી 8 તાલુકામાં હજૂ વાવણી લાયક વરસાદ પણ પડ્યો નથી.
સમગ્ર ગુજરાતના 267 તાલુકામાંથી 63 તાલુકામાં પ્રથમ રાઉન્ડમાં હજુ વાવણી લાયક એટલે કે, પુરો ત્રણ ઇંચ વરસાદ પણ પડ્યો નથી. સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના તમામ તાલુકા વાવણી જોગ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. પરંતુ બાકીના જિલ્લામાં ખંડિત વર્ષા જોવા મળી છે.
આ સિવાય નોર્થ ગુજરાતમાં પાટણ જિલ્લાના સાંતલપુર, બનાસકાંઠા જિલ્લાના 10માંથી 8, વાવ-થરાદ જિલ્લાના 8 માંથી 6, મહેસાણા જિલ્લાના 10 માંથી 4, સાબરકાંઠા જિલ્લાના 8માંથી 4, અમદાવાદ જિલ્લાના પણ 10 માંથી બાવળા, દસકોઇ, ધોલેરા, ધોળકા સહિત 4, ખેડા જિલ્લાના 11માંથી ઠાસરા અને મહેમદાબાદ મળી બે, આણંદ જિલ્લાના 8 માંથી બે, સુરેન્દ્રનગર જિલ્લાના 10માંથી ધ્રાંગધ્રા અને થાનગઢ, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાંથી જસદણ, પડધરી અને વિંછીયા, મોરબી જિલ્લાના પાંચમાંથી માળીયા મીયાણાને બાદ કરતા 4 તાલુકામાં હજૂ વાવણી લાયક વરસાદ નોંધાયો નથી.
આ ઉપરાતં જામનગર જિલ્લાના જામજોધપુર સિવાયના 6 માંથી 5 તાલુકામાં પણ હજૂ પુરો ત્રણ ઇંચ વરસાદ પડ્યો નથી. દ્વારકા જિલ્લાના ચારેય તાલુકા પ્રથમ રાઉન્ડમાં કોરાધાકોડ જ રહી ગયા છે. પોરબંદર જિલ્લાના પણ ત્રણ તાલુકામાંથી માત્ર કુતિયાણામાં વાવણી થઇ છે. જયારે બે તાલુકા બાકી રહી ગયા છે.
સાઉથ ગુજરાતમાં વરસાદનું ચિત્ર ખુબ સારુ છે. છતાં ભરૂચ જિલ્લાના 9 માંથી આમોદ અને જંબુસરમાં હજૂ વાવણી બાકી છે. નર્મદા જિલ્લો આખો તરબતર થઇ ગયો છે. તાપી જિલ્લામાં પણ ખુબ સારો વરસાદ પડ્યો છે. પરંતુ 8માંથી એક નિઝર તાલુકામાં વાવણી થાય તેવા વરસાદની રાહ છે. જયારે બાજુના સુરત જિલ્લાના તમામ 12 તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે અને સરેરાશ 44 ટકા વરસાદ પડી ગયો છે. આજ રીતે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના તમામ તાલુકા પણ વરસાદથી તરબતર થઇ ગયા છે.
રાજ્યમાં 24.63 ટકા વરસાદ પડી ગયો, દ્વારકા-કચ્છ કોરાકટ
ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ગુજરાતમાં સરેરાશ 24.63 ટકા વરસાદ પડ્યો છે. તેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 34.69 ટકા, સૌરાષ્ટ્રમાં 27.61 ટકા, મધ્ય ગુજરાતમાં 17.31 ટકા, નોર્થ ગુજરાતમાં 14.09 ટકા અને કચ્છમાં માત્ર 1.92 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં 10 ટકાથી ઓછો વરસાદ છે. તેમાંય કચ્છ અને દ્વારકા જિલ્લામાં તો બે ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. જયારે રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લામાં 44 ટકા વરસાદ પડી ગયો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે, સૌરાષ્ટ્રમાં ઝાપટાં, અન્યત્ર વરસાદનું જોર ઘટશે
એકસાથે પાંચ સિસ્ટમ હજુ પણ સક્રિય
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં પડેલા અનરાધાર વરસાદ બાદ હવે રાજ્યના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની નવી આગાહી મુજબ આજથી રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે-ધીમે ઘટવાની શક્યતા છે. જોકે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં રાજ્ય પર એકસાથે પાંચ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય છે. તેમાં વેલમાર્ક લો પ્રેશર, સિઝનલ ટ્રફ અને ઓફશોર ટ્રફ સહિતની સિસ્ટમોનો સમાવેશ થાય છે. આ કારણે સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદનું જોર ઓછું રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા મહેરબાન રહે તેવી આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી અને છોટાઉદેપુરજિલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાઈ શકે છે. ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની તીવ્રતા ઘટવાના સંકેતો મળ્યા છે. જોકે ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્ય વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં હળવા પવન સાથે સામાન્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
