દાયકાઓ જૂના નર્મદા વિવાદનો અંત, 4 રાજ્યો વચ્ચે ઐતિહાસિક કરાર

  અમિત શાહ અને સી.આર.પાટીલની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે સમજૂતી વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો…

 

અમિત શાહ અને સી.આર.પાટીલની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે સમજૂતી

વર્ષો જૂનો અને દાયકાઓથી અનિર્ણિત રહેલો નર્મદા જળ વિવાદ આખરે ઉકેલાઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ – એમ ચાર રાજ્યો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મહત્વપૂર્ણ કરાર દ્વારા વિસ્થાપિતોના પુનર્વસન, જમીન સંપાદન બાદના વળતર અને જળ વહેંચણી જેવા જટિલ મુદ્દાઓનો શાંતિપૂર્ણ અને સર્વસંમતિથી ઉકેલ લાવવામાં આવ્યો છે. ચારેય રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક નિર્ણય પર મહોર મારવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા સંવાદ અને સહમતિના પાયા પર આધારિત હતી, જેના પરિણામે લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો નિકાલ થયો છે.

આ સમજૂતી શક્ય બનવા પાછળ ડબલ એન્જિન સરકારનો મોટો ફાળો છે. અગાઉ, વિવિધ રાજ્યોમાં અલગ-અલગ પક્ષોની સરકારો હોવાને કારણે યોગ્ય સંકલન સાધવું મુશ્કેલ બનતું હતું. જોકે, કેન્દ્રમાં અને મોટાભાગના સહભાગી રાજ્યોમાં ભાજપની સરકાર હોવાથી એક સમાન વિચારધારા અને લક્ષ્ય સાથે આગળ વધવું સરળ બન્યું. અમિત શાહે જળ ક્ષેત્રે સહકારી સંઘવાદનો પહેલીવાર સફળ પ્રયોગ કર્યો છે અને જળ સુરક્ષાને મજબૂત કરવા માટે આ ઐતિહાસિક પહેલ કરી છે.

આ કરાર એક વન ટાઇમ સેટલમેન્ટ તરીકે અમલમાં મૂકવામાં આવ્યો છે. આર્થિક ચૂકવણી અને ખર્ચ વહેંચણી અંગેના તમામ વિવાદોનો આમાં સમાવેશ થાય છે. ભૂતકાળમાં, મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહની સરકાર દરમિયાન વિસ્થાપિતો અને વળતરને લઈને વિવાદ વધુ વકર્યો હતો. તે સમયે પેમેન્ટ બાકી રહેવા અને વ્યાજ પર વ્યાજ લાગવા જેવી સમસ્યાઓ હતી. પરંતુ હવે, ચારેય રાજ્યો અને કેન્દ્રમાં સમાન પક્ષની સરકારો હોવાથી આર્થિક નાણાની ચૂકવણી અને ખર્ચ વહેંચણીના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

અત્યાર સુધી, જળરાશિનું પ્રો-રેટા પ્રમાણે વહેંચણી થતી હતી, જેમાં મધ્યપ્રદેશને સૌથી વધુ અને રાજસ્થાનને ઓછું પાણી મળતું હોવાનું દેખાતું હતું. જોકે, નવા કરાર હેઠળ રાજ્યોએ મોટું મન રાખીને એ સ્વીકાર્યું છે કે જો કોઈ રાજ્યને સહેજ વધારે કે ઓછું પાણી મળે તો તેનાથી વિવાદ કરવો નહીં. અમિત શાહે પણ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે, ત્યાં જમીન ફળદ્રુપ બની છે, જમીનનું મૂલ્ય વધ્યું છે અને ખેડૂતોની કિસ્મત બદલાઈ છે. આ સમજૂતીથી પાણીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત થશે અને ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. આ કરાર ખરેખર ભારતના સંઘીય માળખામાં સહકાર અને વિકાસનું પ્રતિક બની રહેશે.

નર્મદા એવોર્ડ લાભાર્થી રાજ્યો મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બાકી ચૂકવણીના નિકાલ અંગે ઐતિહાસિક સમજૂતી થઈ છે. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બેઠકમાં કેન્દ્ર અને ચારેય રાજ્યોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પાણી અને વીજળીથી રાજ્યોનો કાયાકલ્પ
કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ મહત્વપૂર્ણ આંતર-રાજ્ય પરિયોજના પર સર્વસંમતિ સાધવામાં મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરકારો દ્વારા આપવામાં આવેલા રચનાત્મક સહયોગની પ્રશંસા કરી હતી. આ પરિયોજનાથી વિશેષ કરીને મધ્ય પ્રદેશ, ગુજરાત તથા રાજસ્થાનને ઘણો લાભ થયો છે. બંધ પૂર્ણ થવાથી આ રાજ્યોમાં દરેક જગ્યાએ પાણી અને વીજળી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે, રાજસ્થાનને થયેલો લાભ જોવામાં નાનો લાગી શકે છે, પરંતુ જે જમીન સુધી નર્મદાના પાણી પહોંચ્યા છે, ત્યાં જમીનનું મૂલ્ય અને ખેડૂતની કિસ્મત બંને બદલાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *