1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ

પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર…

પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો

સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર પ્લેટો લગાવી બિનદાસ્ત ફેરવી

સૌરાષ્ટ્રના લોકલ અને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂૂટ ચાલતી એક જ નંબર પ્લેટની પાવન ટ્રાવેલ્સની બસના સંચાલકો દ્વારા રોડ ટેક્સ અને વીમો બચાવવા એક જ નંબર પ્લેટવાળી લક્ઝરી બસોનું કૌભાંડ પોલીસે પકડી પાડ્યું છે. સુરત-સૌરાષ્ટ્ર રૂૂટ પર ચાલતા આ નેટવર્કમાં 1.55 કરોડથી વધુના 11 વાહનો જપ્ત કરી 3 ટ્રાવેલ્સ સંચાલકો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરાઈ છે. મુખ્ય સૂત્રધાર પાવન જયસ્વાલ અને અન્યો સામે કાર્યવાહી કરાઈ છે. આ કૌભાંડથી સરકારને લાખોનું નુકસાન થયું છે.

મળતી વિગતો મુજબ રાજકોટ જીલ્લા અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ચાલતી પાવન ટ્રાવેલ્સની બસનો ટેક્સ તથા વાહન વીમો બચાવવાના ઇરાદે એક જ સરખા રજીસ્ટ્રેશન નંબરની પ્લેટો લગાડીને જુદા જુદા રૂૂટ પર એક સરખા નંબર વાળી અનેક ખાનગી બસો દોડાવવાનું કારસ્તાન ચાલતું હોવાની માહિતીને આધારે જેતપુર ઉધોગનગર પોલીસે તપાસ કરી ટેક્ષ ચોરીનું મોટું રેકેટ ઝડપી લઇ 10 લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને 1 મારુતિ ઓમ્ની કાર સહિત કુલ રૂૂ.1.15 કરોડના 11 વાહનો કબજે કર્યા છે, તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, જૂનાગઢ તરફથી રાજકોટ તરફ જઈ રહેલી ’શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ’ની સ્લીપર કોચ બસમાં ખોટી નંબર પ્લેટ લગાવેલી હોવાની માહિતીને આધારે પોલીસે પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવી બાતમીવાળી બસ ત્યાંથી પસાર થતાં જ તેને અટકાવી આગળ-પાછળ જોતાં એઆર- 01, 9905 નંબરની પ્લેટ માલૂમ પડી હતી. બસ ચાલક કૌશિક યોગેશભાઈ જયસ્વાલ (રહે. મેંદરડા, જૂનાગઢ) પાસે બસના કાગળો કે ડ્રાઈવિંગ લાયસન્સ નહોતા. સઘન પૂછપરછ દરમિયાન તેને કબૂલ્યું કે, તેના નાના ભાઈના નામે રજીસ્ટર્ડ બસની વધારાની નંબર પ્લેટો આ બસ પર લગાડી ટેક્સ અને વીમો ભર્યા વગર તે બસ ચલાવતો હતો.

આ દરમિયાન એ જ નંબર ધરાવતી બીજી ગુલાબી અને સફેદ કલરની બસ પણ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને પણ આંતરી લીધી હતી. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનાઓ નોંધી મુખ્ય સૂત્રધારો પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ નવીનચંદ્ર જયસ્વાલ તથા કૌશિક યોગેશભાઈ જયસ્વાલ સહિતના શખ્સો સામે કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની અટકાયત કરી લેવાઈ છે.

પ્રથમ સફળતા બાદ પોલીસે તપાસ લંબાવી જેતપુર-જૂનાગઢ હાઈવે પર ’પાવન ટ્રાવેલ્સ’ના ડેલામાં દરોડો પાડતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી, કારણ કે ત્યાં પડી રાખેલી અન્ય ચાર જેટલી ખાનગી લક્ઝરી બસોમાં પણ આગળ-પાછળ એક જ સરખો રજીસ્ટ્રેશન નંબર વાળી બનાવટી નંબર પ્લેટો લગાડેલી બસ મળી આવી હતી. આ તમામ બસો આરટીઓના ચોપડે કોઈ જ સત્તાવાર નોંધણી કે ટેક્સ ભરપાઈ કર્યા વિના માત્ર કાગળ પર ઊભા કરાયેલા નંબરોની મદદથી ખાનગી હાઈવે રૂૂટ પર દોડાવવા માટે તૈયાર રાખવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિગતો પ્રકાશમાં આવી છે કે, આ કૌભાંડના સૂત્રધારો એક જ સરખા નંબર ધરાવતી બસો પૈકી એક બસ સૌરાષ્ટ્ર પટ્ટાના લોકલ રૂૂટ પર ચલાવતા, જ્યારે બિલકુલ એ જ નંબર પ્લેટ ધરાવતી બીજી બસને સુરત અથવા મહારાષ્ટ્ર તરફના લાંબા રૂૂટ પર દોડાવતા હતા.

આ પ્રકારની મોડસ ઓપરેન્ડીને કારણે હાઈવે પોલીસ પણ થાપ ખાઈ જતી હતી. લાંબા સમયથી વહીવટી તંત્રની આંખમાં ધૂળ નાખીને આચરાતી આ પ્રવૃત્તિથી સરકાર ને લાખોે રૂૂપિયાના ટેક્સનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાને આધારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પી.આઈ એસ.એચ.શર્મા, પીએસ આઈ કે.બી.ગઢવી, નીલેશભાઇ મકવાણા, હિતેષભાઇ વરૂૂ, અજયભાઇ રાઠોડ, રાજુભાઇ સાંબળા, વાસુદેવસિંહ જાડેજા, સંજયભાઇ પરમાર, ચેતનભાઈ ઠાકોર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

છેલ્લા એક વર્ષથી ચાલતું કૌભાંડ આરટીઓને ધ્યાનમાં ન આવ્યું
પાવન ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા છેલ્લા એક વર્ષથી ટેક્ષ, વીમો નહી ભરવાનાના ઈરાદે આ કુભાંડ ચલાવવામાં આવતું હતું. કૌભાંડ આચનાર પાવન અલ્પેશભાઈ જયસ્વાલ, અલ્પેશ ઉર્ફે ટોનુ નવીનચંદ્ર જયસ્વાલ તથા કૌશિક યોગેશભાઈ જયસ્વાલ ભંગારમાં સ્ક્રેપ થયેલ એન્જીન તથા ચેસીસ મેળવી તેમાં બોડી કામ કરી, તેની કબજા ભોગવટા વાળી બસોનો ટેક્ષ, વીમો નહી ભરવાના ઇરાદે તેમજ રી-પાર્સીંગ નહીં કરવાના ઇરાદે ખોટી નંબર પ્લેટ બસમાં લગાવી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ખોટા રજીસ્ટ્રેશન સાથે લોકોને તથા પોલીસ તથા આર.ટી.ઓ. ને ગુમરાહ કરવાના હેતુથી તે નંબર પ્લેટ બનાવટી, ખોટી હોવાનું જાણતા હોવા છતા તેનો ખરા તરીકે ઉપયોગ કરી, બસને રોડ ઉપર ચલાવી કાયદેસર રીતે સરકારને ભરવા પાત્ર ટેક્ષ નહીં ભરી, સરકાર સાથે ટેક્ષના નાણાની છેતરપીંડી કરી છે. પાવન ટ્રાવેલ્સનું આ કૌભાંડ છેલ્લા એક વર્ષથી ચાલતું હોવા છતાં આરટીઓને આ બાબત કેમ ધ્યાને નાં આવી તે પણ એક મોટો સવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *