ગોંડલના ચોરડી દરવાજા પાસે આવેલી એક બેકરીની ઉપરની ઓરડીમાં 17 વર્ષીય પરપ્રાંતીય યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ ઘટના મોડી રાત્રે બની હતી અને સવારે તેની જાણ થઈ હતી. યુવાન માત્ર ચારથી પાંચ દિવસ પહેલા જ કામે લાગ્યો હતો.
મૃતક યુવાનની ઓળખ અનુપકુમાર કંધઈલાલ યાદવ (ઉંમર 17) તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશના દુર્ગાપુર જિલ્લાના નેવરિયા ગામનો વતની હતો. અનુપકુમાર બેકરીની ઉપર અન્ય શ્રમિક યુવાનો સાથે રહેતો હતો અને પરચુરણ મજૂરી કરતો હતો.
મળતી માહિતી મુજબ, મોડી રાત્રે ઓરડીમાં અન્ય યુવાનો સૂતા હતા ત્યારે અનુપે લાકડાના આડા સાથે લાંબી ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. વહેલી સવારે તેની સાથે સૂતેલા બીરબલ નામના યુવાનની ઊંઘ ઉડતા તેણે અનુપને લટકતી હાલતમાં જોયો હતો.
આ દ્રશ્ય જોઈને બીરબલ હેબતાઈ ગયો હતો અને તાત્કાલિક અનુપના સગા-સંબંધીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ બેકરીના માલિક સંજયભાઈ જેઠવાણીને થતાં તેમણે ગોંડલ એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ગોંડલ શહેર એ-ડિવિઝન પોલીસે મૃતદેહને નીચે ઉતારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ ગોંડલ નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યુવાનના આત્મઘાતી પગલા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક અનુપકુમાર માત્ર 17 વર્ષની નાની ઉંમરે પરણિત હતો અને તેના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા. તે પોતાના પરિવારમાં બે ભાઈઓમાં મોટો હતો. તેના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. પરિવારનું ગુજરાન ચલાવવા તે અહીં એકલો મજૂરી કરતો હતો. તેના આ પગલાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
