બાબા બર્ફાનીના દર્શન કરવા અમરનાથ યાત્રાએ ગયેલા જામનગરના રહેવાસી પ્રવીણભાઈ પરમાર (ઉં. 61)નું યાત્રા દરમિયાન હાર્ટ એટેક આવતાં દુ:ખદ અવસાન થયું છે. તેઓ તા. 30 જૂનના રોજ જામનગરથી અમરનાથ યાત્રાના પ્રથમ જથ્થા સાથે રવાના થયા હતા. પવિત્ર અમરનાથ ગુફાથી આશરે 3થી 4 કિલોમીટર દૂર આવેલી કાલી માતાજીના મંદિર નજીક તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો.
પ્રવીણભાઈ પરમાર સૌપ્રથમ જમ્મુ ખાતે રોકાયા હતા. ત્યારબાદ તા. 2જુલાઈએ શ્રીનગર પહોંચ્યા અને તા. 3 જુલાઈએ બાલતાલ બેઝ કેમ્પ ખાતે પહોંચ્યા હતા. તા. 4 જુલાઈના રોજ તેમણે બાલતાલ રૂૂટ પરથી પવિત્ર અમરનાથ ગુફા તરફની યાત્રા શરૂૂ કરી હતી. યાત્રા દરમિયાન કાલી માતાજીના મંદિર નજીક તેમની તબિયત અચાનક બગડતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં જ શ્રાઇન બોર્ડના અધિકારીઓ અને સુરક્ષા જવાનોએ તાત્કાલિક તેમને નજીકના મેડિકલ કેમ્પમાં ખસેડી પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, ડોક્ટરોએ તમામ પ્રયાસો છતાં તેમને બચાવી શક્યા નહોતા અને સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
નિધન બાદ તેમના પાર્થિવ દેહને સૌપ્રથમ સોનમર્ગ લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ શ્રીનગર એરપોર્ટથી હવાઈ માર્ગે દિલ્હી અને ત્યાંથી વડોદરા એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. વડોદરાથી એમ્બ્યુલન્સ મારફતે તેમનો પાર્થિવ દેહ જામનગર લાવવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રા દરમિયાન બનેલી આ દુ:ખદ ઘટનાથી જામનગર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવારજનો, સગા-સંબંધીઓ અને યાત્રાળુઓએ પ્રવીણભાઈ પરમારના અવસાન પર ઊંડી શોકભાવના વ્યક્ત કરી છે.
