મોરબી જિલ્લામાં ખેડૂતોના ખેતરોમાં આડેધડ વીજ થાંભલા નાખવાની અંગ્રેજનીતિ સામે ખેડૂતોએ જલદ આંદોલન કરતાં સરકારે પારોઠના પગલાં ભરી બજાર ધોરણે વળતર આપવાની જાહેરાત કરતાં મોરબીના જેતપર ગામે ચાલતું આમરણાંત ઉપવાસ આંદોલન આજથી હળવું થવાની આશા છે ત્યાં રાજકોટ જિલ્લાના પડધરી પંથકમાં પણ ખેડૂતોએ સરકાર સામે મોરચો ખોલી દીધો છે.
રાજકોટ જિલ્લાના પડધરી ગામ અને આસપાસના વિસ્તારોમાં નિર્દોષ ખેડૂતોના ખેતરમાં કોર્પોરેટ કંપનીઓ દ્વારા જબરદસ્તીથી અને અમાનવીય રીતે નાખવામાં આવી રહેલા મહાકાય વીજ પોલના વિરોધમાં આજે ખેડૂતોનો ભારે જનઆક્રોશ જોવા મળ્યો હતો. પોતાની ફળદ્રુપ જમીન અને ખેતીના રક્ષણ માટે પડધરીના ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે, જેના ભાગરૂૂપે આજે એક વિશાળ ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી ચાલી રહેલી આ જોહુકમી અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો રેલીમાં જોડાયા હતા.
ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની મંજૂરી વિના કે યોગ્ય વળતર આપ્યા વિના રાતોરાત ખેતરોમાં ઉભા કરી દેવાતા આ મહાકાય પોલના કારણે ઉભો પાક નાશ પામી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ખેતી કરવી અશક્ય બની જશે.
આ મહારેલી દરમિયાન ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ અને આક્રોશ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. રેલીના અંતે ખેડૂતોના પ્રતિનિધિમંડળ દ્વારા સ્થાનિક મામલતદારને એક સખત શબ્દોમાં લખાયેલું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જેમાં માંગ કરવામાં આવી છે કે કોર્પોરેટ કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી આ અમાનવીય કામગીરીને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે.ખેડૂતોની સંમતિ વિના કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં ન આવે.જો સરકાર કે તંત્ર દ્વારા આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે.
