સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગ

વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો…

વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અત્યંત આવશ્યક જાહેર સેવામાં ખલેલ પહોંચતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આજે રવિવારે પરિસ્થિતિ વધુ વિકટ બની હતી, જ્યારે એક સાથે છ મૃતદેહો અગ્નિ સંસ્કાર માટે સ્મશાન ગૃહ ખાતે પહોંચ્યા હતા. ગેસ ભઠ્ઠી કાર્યરત ન હોવાથી તમામ મૃતદેહોના અગ્નિ સંસ્કાર પરંપરાગત લાકડાની ચિતા દ્વારા કરવાની ફરજ પડી હતી. વરસાદી વાતાવરણમાં પલળેલા લાકડાના કારણે અંતિમ સંસ્કારમાં વિલંબ થયો હતો.છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત વરસાદના કારણે લાકડાં પલળી ગયા હતા. આથી ચિતા સળગાવવામાં ભારે વિલંબ થયો હતો અને સ્વજનોને કલાકો સુધી રાહ જોવી પડી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સ્મશાન ગૃહ ની ગેસ આધારિત ભઠ્ઠીમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર તકનીકી ખામીઓ સર્જાય છે. અનેક વખત મરામત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.વરસાદી માહોલમાં ભીના લાકડાંને કારણે અગ્નિ સંસ્કારની પ્રક્રિયા વધુ મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં શોકગ્રસ્ત પરિવારોને માનસિક વ્યથા ઉપરાંત વધારાની અસુવિધા પણ સહન કરવી પડે છે. સ્થાનિકોએ તંત્ર પાસે ગેસ ભઠ્ઠી તાત્કાલિક કાર્યરત કરવા તેમજ સુવિધાઓમાં કાયમી સુધારા કરવાની માંગ કરી છે.

આ મુદ્દે ચીફ ઓફિસર પારસભાઇ મકવાણા એ જણાવ્યું હતું કે, ગેસ આધારિત એક ભઠ્ઠી વહેલી તકે શરૂૂ કરવા ગોંડલ થી ટીમ રવાના થઈ ગઈ છે અને સાંજ સુધીમાં તે શરૂૂ થઈ જશે. બીજી સ્ટીલ ભઠ્ઠીમાં વહીવટી ગૂંચ ના કારણે મેઈન્ટેનન્સ પાર્ટી આવતી નથી, પરંતુ આ સમસ્યાનો પણ વહેલી તકે ઉકેલ લાવવાના પ્રયાસો ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *