ગોંડલ પંથકમાં પણ વીજલાઇનો સામે આંદોલન

  ગોંડલ,જેતપુર અને જસદણ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા ગઇકાલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) કંપનીની જોહુકમી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.…

 

ગોંડલ,જેતપુર અને જસદણ તાલુકા સહિત આજુબાજુના વિસ્તારના ખેડૂતો દ્વારા ગઇકાલે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) કંપનીની જોહુકમી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતોએ એકઠા થઈને ગોંડલના નાયબ કલેક્ટર સમક્ષ જિલ્લા કલેક્ટર રાજકોટને સંબોધીને એક સામૂહિક આવેદનપત્ર પાઠવ્યું હતુંઆવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, GETCO કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી હડાળા-ચોરણીયા સુધીની સૂચિત 400 કે.વી. બેવડી વીજરેખા પસાર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 6.72 કિલોમીટર લાંબી આ વીજ લાઇન માટે ખેડૂતોને કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના કે જાહેરનામાની પ્રસિદ્ધિ કર્યા વગર સીધા ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવામાં આવ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીની આ મનસ્વી કામગીરીથી તેમના મૌલિક અધિકારોનું હનન થયું છે.

મોવિયા ગામના ખેડૂત આગેવાન કિરણભાઈએ જણાવ્યું હતું કે,ગોંડલ તાલુકા અને આજુબાજુના ગામના ખેડૂતો આજે આવેદનપત્ર આપવા આવ્યા છે. જો આ બાબતે તાકીદે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે, તો અમારે નાછૂટકે હાઇકોર્ટના શરણે જવું પડશે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ બાબતને ગંભીરતાથી સમજી લે.આ આંદોલનમાં જોડાયેલા શ્રીનાથગઢના ખેડૂત આગેવાન રમણભાઈ હરિભાઈ ખાખરીયા એ સરકાર સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર સાથે જણાવ્યું કે, ગામડું એ સ્વર્ગનો એક ભાગ છે, પરંતુ આ સરકાર ગામડાને સ્વર્ગ તો ઠીક, સ્મશાન બનાવવા બેઠી છે. જો ખેડૂતોની માંગ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગુજરાતના તમામ 18,000 ગામડાના ખેડૂતોને એકઠા કરીને ઉગ્ર કાનૂની લડત લડવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ જય જવાન, જય કિસાન અને જય સરદાર‘ના નારા લગાવીને કચેરી પરિસર ગજવી મૂક્યું હતું. ખેડૂતોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર અને કાયદેસરની પ્રક્રિયા પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કંપનીને કામ કરવા દેશે નહીં. ખેડુતો પાંજરાપોળ થી પગપાળા જેલચોક પંહોચી શહીદ ભગતસિંહ ની પ્રતિમા ને ફુલહાર કરી નાયબ કલેક્ટર કચેરીએ પંહોચી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *