યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, મૃતકનો આપઘાત પૂર્વે વીડિયો વાયરલ થયેલ હતો
વઢવાણના ખોડુ ગામના કૂવામાંથી 34 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. આત્મહત્યા નહીં પણ હત્યાના આક્ષેપ થયા હતા. આ બનાવમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. મૃતકને હનીટ્રેપમાં ફસાવી તેમનો વીડિયો ઉતારી બ્લેકમેઇલ કરીને રૂૂ.10 લાખ પડાવી લેવાયા હોવાનું સામે આવતા 10 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ મુળીના સડલા ગામે રહેતા જશુબેન બોચીયાએ જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના ભાઈ રમેશભાઈ પારઘી દાણાવાડા ગામે એકલા રહેતા હતા.
છેલ્લા એકાદ વર્ષથી આરોપીઓએ ભેગા મળીને રમેશભાઈને કોઈ યુવતીના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવ્યા હતા અને તેનો વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ થતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ કટકે-કટકે રમેશભાઈ પાસેથી રૂૂ.10 લાખ પડાવી લીધા હતા.
મૃતક રમેશભાઈએ આરોપી દેવજીભાઈ કાળાભાઈ ઝાલાને ખાતર ખરીદવા નાણાં આપ્યા હતા. તો જેરામભાઈ દલપતભાઈ સિંઘવને પણ નાણાં ઉધાર આપ્યા હતા. હનીટ્રેપ અને નાણાં ડૂબી જતાં ત્રાસથી કંટાળી રમેશભાઈએ કૂવામાં કૂદી જીવન ટૂંકાવ્યું હતું. આ કેસમાં મૃતકે પોલીસ કર્મચારીઓ સામે પણ વીડિયોમાં નામ લીધા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ મૃતક સામે એક અરજી કરી હોય જે બાબતે પોલીસ કર્મચારીઓએ કાર્યવાહી કરી હોવાથી મૃતકે આક્ષેપ કર્યા હતા.
મૃત્યુ પહેલાં ભાણેજના ફોન પર સ્યૂસાઇટ નોટ, વીડિયો મોકલ્યા હતા તા. 26-5એ રમેશભાઈ અચાનક ઘરેથી નીકળી ગયા હતા અને તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના ભાણેજ કિરણના ફોન પર સ્યૂસાઇટ નોટ, અરજીઓ અને સ્યૂસાઇડ કરવાનો વીડિયો મોકલ્યો હતો.
જેમાં તમામ આરોપીઓના નામ જોગ ત્રાસ આપતાનો ઉલ્લેખ કર્યો હતો. ગુમ થયાના 3 દિવસ બાદ 29 મેએ ખોડુના તળાવમાંથી તેમની લાશ મળી હતી. પોલીસે અઠવાડિયા પછી મૃતકનો મોબાઈલ ફોન શોધીને કબ્જે કર્યો હતો.
આરોપીઓના નામ
દેવજીભાઈ કાળાભાઈ ઝાલા રહે. રામપરા
લાલજીભાઈ દેવજીભાઈ ઝાલા રહે. રામપરા
પિન્ટુભાઈ લાલજીભાઈ ઝાલા રહે. રામપરા
કનાભાઈ બાલજીભાઈ ઝાલા રહે. રામપરા
જેરામભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી, તા. ધ્રાંગધ્રા
સુરેશભાઈ જેરામભાઈ સિંઘવ રહે. ધોળી
ભીખાભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી
ગણપતભાઈ દલપતભાઈ સિંઘવ રહે. ધોળી
ઉપરાંત બે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ થયો છે.
