સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામથી આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડાએ પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, સાથે એઆઈસીસીના ઓરિસ્સા પ્રભારી લાલજીભાઈ દેસાઈ, એઆઈસીસી સેક્રેટરી ઋત્વિક મકવાણા,ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી, કિસાન કોંગ્રેસના પ્રમુખ જયેશ પટેલ, ખેડૂત આગેવાન મહેશભાઈ રાજકોટિયા, પ્રવક્તા ગીતાબેન પટેલ સહિતના ખેડૂત આગેવાનો ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત ’કિસાન અધિકાર પદયાત્રા’માં જોડાયા હતા. ખેડૂતોના હક, ન્યાય અને અધિકારો માટે યોજાયેલી આ પદયાત્રામાં અમિતભાઈ ચાવડા સહિતના આગેવાનઓ, તાલુકા પ્રમુખ અને મોટી સંખ્યામાં ખેડૂતો, મજૂરો,પશુપાલકો તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ પદયાત્રાનો મુખ્ય હેતુ ખેડૂતોની જમીનોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનો અને ટ્રાન્સમિશન લાઈનોના કારણે થતા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો તેમજ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર અપાવવાની માંગને મજબૂત બનાવવાનો છે.
કોંઢ ગામ ખાતે યોજાયેલા પ્રારંભ સમયે અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ હંમેશા ખેડૂતો, મજૂરો અને પશુપાલકોના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ રહ્યો છે અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સતત લડત આપતો રહેશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વર્તમાન સરકાર ઉદ્યોગપતિઓના હિત માટે ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનોને નુકસાન પહોંચાડી રહી છે, જેના કારણે ખેડૂતોને આર્થિક અને સામાજિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે.
કોંગ્રેસ પક્ષની રાજ્ય સરકાર સમક્ષ માગણીઓ
– જમીનની બિનજરૂરી માપણી અને કાપણી બંધ કરવામાં આવે તેમજ જમીન સંપાદનમાં યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે
– ખેડૂતોના તમામ દેવાં માફ કરવામાં આવે.
– દૂધ તથા ખેતી ઉત્પાદનો માટે કાયદેસર ટેકાના ભાવ (ખજઙ) જાહેર કરવામાં આવે.
– ખાતર, બિયારણ, ડીઝલ અને પશુઓના ખાણ-દાણનો ગુણવત્તાસભર તથા પૂરતો જથ્થો વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે.
– ખેતી અને પશુપાલન માટે મફત વીજળી આપવામાં આવે.
