ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલો

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ…

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘોઘા ના વાવડી ગામે આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રતીભાઈ ચુડાસમા ઉ.વ. 55 ને સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર મેળવ્યા બાદ ભોગ બનનારે આ અંગે ઘોઘા પોલીસ સ્ટેશનમાં ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જેમાં રતીભાઈ ચુડાસમા પોતાની વાડીએથી કામ પતાવીને મોટરસાયકલ લઈને ઘરે જમવા જઈ રહ્યા હતા.

તે દરમિયાન ગામના ચોક પાસે સામેથી આવેલા મંદીપ મકવાણાએ પોતાનું બાઈક રતીભાઈના મોટરસાયકલ સામે આડું રાખ્યું હતું. રતીભાઈએ પોતાનું વાહન સાઈડમાં ઊભું રાખીને ગાળો બોલવાની ના પાડતા જ મંદીપ ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડના પાઇપ વડે રતીભાઈની પીઠના ભાગે ઘા ઝીંકી દીધો હતો.આ જ સમયે ત્યાં હાજર અન્ય બે શખ્સો સંજય ધનાભાઈ ચાવડા અને ઋષિ ચાવડાએ રતીભાઈને પાછળથી પકડી રાખ્યા હતા, જેથી મંદીપે તેના હાથમાં પહેરેલા કડા વડે રતીભાઈના માથા તેમજ કપાળના ભાગે ઉપરાછાપરી ઘા મારીને તેમને લોહીલુહાણ કરી દીધા હતા. હુમલો કર્યા બાદ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

બનાવ અંગે જાણ થતાં રતીભાઈના પુત્ર મયુરે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવી તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમના માથા, કપાળ અને આંખના ભાગે ટાંકા લઈને સારવાર આપી હતી. સારવાર બાદ રતીભાઈએ ઘોઘા પોલીસ મથકમાં મંદીપ મકવાણા, સંજય ચાવડા અને ઋષિ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *