રાજસ્થાનની રાજધાની જયપુરના આમેર વિસ્તારમાંથી એક અત્યંત દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક નિર્માણાધીન ઇમારતની ભારે-ભરખમ દીવાલ અચાનક પત્તાની જેમ તૂટી પડી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે હજુ પણ અનેક શ્રમિકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આમેર વિસ્તારમાં તાલા મોડ પાસે એક નાળાના ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન નાળાનું ખોદકામ ઘણું ઊંડું કરી દેવામાં આવતા, તેની બિલકુલ નજીક આવેલી નિર્માણાધીન ઇમારતનો પાયો નબળો પડ્યો અને તેની વિશાળ દીવાલ ધડાકાભેર નીચે આવી પડી હતી. કાટમાળ નીચે 12થી વધુ લોકો દબાયા હોવાની આશંકાને પગલે રાહત અને બચાવ કાર્ય અત્યંત વેગવંતું બનાવવામાં આવ્યું છે.
