મોરબીથી લાગેલા ખેડૂત આંદોલનનો કરંટ જામનગરમાં પ્રસર્યો, બાઇક રેલી નીકળી

જામનગર જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજલાઈનો અને થાંભલાઓના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા ગઈકાલે…

જામનગર જિલ્લાના ખેડૂતો પોતાના ખેતરોમાંથી પસાર થતી હાઈ-વોલ્ટેજ વીજલાઈનો અને થાંભલાઓના મુદ્દે હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો દ્વારા ગઈકાલે ઠેબા ચોકડીથી 100થી વધુ વાહનોના કાફલા સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી, અને મોરબી જિલ્લાના જેતપુર વિસ્તારમાં ચાલી રહેલા કિસાન આંદોલનને મજબૂત સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં આડેધડ રીતે ઉભા કરવામાં આવતા વીજ થાંભલા અને હાઈ-વોલ્ટેજ લાઈનોના કારણે ઊભા પાકને નુકસાન પહોંચી રહ્યું છે તેમજ ખેતીલાયક જમીનનો ઉપયોગ પણ મર્યાદિત બની રહ્યો છે. જેના પરિણામે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આ મુદ્દે સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

રેલી દરમિયાન ખેડૂત અગ્રણી વિપુલભાઈ બોરસદીયાએ જણાવ્યું હતું કે આ લડત કોઈ એક સમાજ કે વર્ગની નહીં પરંતુ તમામ ખેડૂતોના હિત અને અસ્તિત્વની લડાઈ છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખાનગી કંપનીઓની મનમાની અને સરકારની ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતોના પ્રશ્નો વધુ ગંભીર બન્યા છે. જો પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે.

ખેડૂતોએ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા જમીનને બિનખેતીમાં રૂૂપાંતરિત કરવા સંબંધિત નવા નિયમો સામે પણ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે નવા નિયમો ખેતી અને જમીન સંબંધિત પ્રક્રિયાઓને વધુ જટિલ બનાવે છે.

ખેડૂત સંગઠનોએ સરકારને ચેતવણી આપી છે કે વીજલાઈનો અને થાંભલાઓના કારણે થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવામાં આવે તેમજ ખેડૂતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. અન્યથા જામનગર જિલ્લામાં પણ મોરબી જેવા વ્યાપક અને મોટા કિસાન આંદોલનની શરૂૂઆત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *