સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર દુર સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના હજુ સુધી કોઇ અણસાર ન દેખાતા ધરતીપુત્રો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે. તો બીજીબાજુ તરસ છીપાવતા પીવાના પાણીના જળાશયો પણ તળિયાઝાટકના આરે આવી ગયા છે.

સિંચાઇ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાંથી મળતા સતાવાર અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના 83 જળાશયોમાં માત્ર 17.14 ટકા જ પાણી રહ્યુ છે. આ વર્ષે નબળા ચોમાસાના હવામાન ખાતાના અનુમાન વચ્ચે હજી સંતોષકારક વરસાદ થયો ન હોય સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા અને સુરેન્દ્રનગર એમ પાંચ જિલ્લાના 83 જળાશયોની સ્થિતિ ગંભીર બની છે. 36 જળાશયોમાં કાંકરા ઉડી રહ્યા છે અને 27 જળાશયો ડુકી જવાની તૈયારીમાં હોય તેમ 10 ફૂટ પણ પાણી નથી.

રાજકોટ સિંચાઇ વર્તુળ કચેરી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જો વરસાદ વધુ ખેંચાય તો પાણીની સ્થિતિ ગંભીર બની શકે તેમ છે. રાજકોટ જિલ્લામાં ભાદર,આજી ન્યારી સહિતના કુલ 27 જળાશયોમાં હાલમાં સરેરાશ 22.87 ટકા જ પાણી રહ્યું છે. આ 27 જળાશયોમાં 11 જળાશયો તળિયાઝાટક છે. જ્યારે સાત જળાશયોમાં દસ ફૂટ પણ પાણી નથી. બીજી તરફ છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટને પાણી પુરૂૂ પાડતાં આજી-1માં 0.33 ફૂટ અને ન્યારી-2માં 0.16 ફૂટ નવુું પાણી આવ્યું છે.

આવી જ રીતે, મોરબી જિલ્લાના 12 જળાશયોમાંથી એક જળાશય તળિયા ઝાટક છે. અને છ જળાશયમાં તો દસ ફૂટથી પણ ઓછું પાણી છે. જ્યારે જામનગર જિલ્લાના 21 જળાશયોમાંથી દસ જળાશયો બીલકુલ ખાલી છે. જ્યારે સાત જળાશયોમાં દસ ફૂટ પાણી પણ રહ્યું નથી.

આ પાંચ જિલ્લાઓમાં સૌથી ખરાબ સ્થિતિ હંમેશાની જેમ જ દેવભૂમિ દ્વારકા જિલ્લાની છે. દ્વારકા જિલ્લામાં કુલ 12 જળાશયો આવેલા છે. આમાંથી નવ જળાશયોમાં તો કાંકરા ઉડી રહ્યા છે. જ્યારે ત્રણ જળાશયો એવા છે કે જેમાં દસ ફૂટ પાણી પણ રહ્યું નથી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 11 જળાશયોમાંથી પાંચ જળાશયો ખાલી પડ્યા છે. અને ચાર જળાશયો એવા છે કે જેમાં દસ ફૂટ પાણી પણ બચ્યું નથી.

આજી-1માં નર્મદા નીર ચાલુ થયા પણ અપૂરતી આવક, ન્યારી-1માં સોમવારથી થશે પધરામણી
રાજકોટની તરસ છિપાવતા ઘરઆંગણેના આજી-1 અને ન્યારી-1 ડેમની હાલત કટોકટીભરી થવા આવતા જ નર્મદા મૈયાનો સહારો લેવો પડ્યો છે. આજી-1માં આવક ચાલુ થઇ ગઇ છે પરંતુ એક મોટરથી પમ્પીંગ થઇ શકે તેટલુ અપુરતુ આવી રહ્યુ છે. જ્યારે ન્યારી-1 ડેમમાં સોમવારથી નર્મદા મૈયાની પધરામણી થશે, હાલ ગોંડલનું વેરી તળાવ નર્મદાથી ભરાઇ રહ્યુ છે. ત્યારબાદ ન્યારી-1 ડેમમાં આવક ચાલુ થશે તેમ મનપાની વોટર વકર્સ શાખામાંથી જાણવા મળે છે.

આ જળાશયોમાં દસ ફૂટ પણ પાણી રહ્યું નથી
રાજકોટ જિલ્લો : ફોફળ, આજી-3, સોડવદર, ન્યારી-2, ફાડદંગ બેટી, ઘેલો સોમનાથ
મોરબી જિલ્લો : ડેમી-1, ડેમી-2, ઘોડાધ્રોઇ, બંગાવડી, બ્રાહ્મણી-2, મચ્છુ-3
જામનગર જિલ્લો : સપડા, વીજરખી,આજી-4,રંગમતી, ઉંડ-1, ફૂલઝર (કો.બા) રૂપારેલ
દ્વારકા જિલ્લો : ઘી,વેરાડી-1, વેરાડી-2
સુરેન્દ્રનગર જિલ્લો: ભોગાવો- 1 (નાયકા), લીંબડી (ભોગાવો), ફલકુ, વાસલ, લીંબડી (વડોદ)

ટકાવારી મુજબ ક્યા જળાશયમાં કેટલું પાણી
રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં કુલ 22.87 ટકા
મોરબી જિલ્લાના 12 જળાશયોમાં કુલ 22.16 ટકા
જામનગર જિલ્લાના 21 જળાશયોમાં કુલ 11.22 ટકા
દ્વારકા જિલ્લાના 12 જળાશયોમાં સૌથી ઓછું 2.51 ટકા
અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 11 જળાશયોમાં 26.96 ટકા

ક્યા જિલ્લામાં ક્યા જળાશયો બન્યા તળિયાઝાટક !
રાજકોટ જિલ્લો : ડોંડી, ગોંડલી, વાછપરી, વેરી, મોતીસર, ખોડાપીપર, છાપરવડી-1, છાપરવડી-2, ઇશ્ર્વરીયા, કરમાળ, કર્ણુકી
મોરબી જિલ્લો : ડેમી -3
જામનગર જિલ્લો : ફૂલઝર-2, ડાઇ મીણસર, ફોફળ-2, ઉંડ-3, કંકાવટી,ઉંડ-2, વાડીસંગ, રૂૂપાવટી, ઉમિયાસાગર,સસોઇ-2, વગડિયા
દ્વારકા જિલ્લો : સાની, વર્તુ-1, ગઢકી, વર્તુ-2,સોનમતી, શેઢા ભાડથરી, સિંઘણી, કાબરકા, મીણસાર (વાનાવડ)
સુરેન્દ્રનગર જિલ્લો : મોરસલ, સબુરી, ત્રિવેણી ઠાંગા, નિંભણી, ધારી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *