અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસમાં અંતે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દેવું પડ્યું. રાય ઉપરાંત ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું ધરી દીધું છે. જ્યારે મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવને પણ ગડગડિયું આપી દેવાયું છે. રામમંદિરના દાનની ચોરીના કેસની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને રચેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ)એ 23 જૂને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યા તેના આધારે ગુરુવારે મોડી સાંજે પહેલી એફઆઈઆર નોંધવામાં આવ્યો તેમાં ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને અન્ય ટોતના પદાધિકારીઓના નામ નહોતાં. તેના બદલે રોકડની ગણતરી કરનારા આઠ સામાન્ય કર્મચારીને આરોપી બતાવીને જેલભેગા કરી દેવાયા હતા.
આ કારણે ચંપત રાય સહિતનાં મોટાં માથાંને બચાવી લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો હોવાની ગુસપુસ શરૂૂ થઈ ગયેલી ત્યાં જ શુક્રવારે બપોરે ચંપત રાયનું રાજીનામું પડી ગયું. ચંપત રાયને અત્યાર લગી પ્રામાણિકતાનું પૂતળું ગણાવાતા હતા ને અચાનક તેમને રાજીનામાની ફરજ કેમ પડાઈ એ ખબર નથી પણ ચંપત રાયની હરકતો શંકાસ્પદ છે જ તેથી તેમને હટાવવામાં કશું ખોટું નથી.
ચંપત રાયને દૂધે ધોયેલા સાબિત કરવા માટે એવા દાવા કરાય છે કે, ચંપત રાય ચાર દાયકાથી રામ જન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા છે અને ઘરબાર છોડીને રામમંદિર માટે જ તેમણે જીવન સમર્પિત કરી દીધું છે. ચંપત રાયનું પોતાનું બેંકમાં ખાતું પણ નથી તેથી ઘાલમેલ કે ગરબડ ગોટાળા કરીને એ શું કરવાના ? આ વાતો તાર્કિક નથી ને વાસ્તવિક પણ નથી. ઘરબાર નહીં પણ સંસાર પણ છોડીને દાવા કરી રહેલા બાવાઓ કેવા ધંધા કરે છે એ આપણે જોયેલું જ છે. ને ચોરી કરીને ઘર ભરવું હોય તેને બેંક ખાતાંની જરૂૂર નથી પડતી. કોઈ વ્યક્તિ ચાર દાયકાથી ભગવાન રામના મંદિરની ચળવળ સાથે જોડાયેલી હોય એ કારણે જ ચોરી ના કરે એ દલીલ તો વાહિયાતપણાની ચરમસીમા જેવી છે.
આ બધી દલીલોના કારણે ચંપત રાયે કશું ખોટું નથી કર્યું એવું સાબિત નથી જ થતું ને છતાં આપણે માની લઈએ કે, ચંપત રાથે એક પૈસાની ઘાલમેલ નથી કરી તો પણ નૈતિક જવાબદારીનું શું? ચંપત રાયને ભગવાન રામના મંદિરનો આર્થિક વહીવટ સોંપાયો પછી મંદિરમાં એક પૈસાની ચોરી ના થાય કે કોઈ ભ્રષ્ટાચાર ના થાય એ જોવાની જવાબદારી ચંપત રાયની હતી પણ ચંપત રાથે આ જવાબદારી ના નિભાવી. બલકે ચંપત રાથે ચોરોને છાવર્યા અને જેમણે ચોરી સામે અવાજ ઉઠાવ્યો તેમને તગેડી મૂક્યા એ જોતાં ચંપત રાય ચોખ્ખાચણાક તો નથી જ.
