ચોમાસાના આગમન માટે સકારાત્મક પરીબળો સર્જાયા છે, મેઘસવારી પાલઘર સુધી પહોંચી ગઇ: હવામાન વિભાગ
મુંબઇમાં મોડેમોડે પણ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે અને ગુજરાતમાં પણ હવે ચોમાસાન આગમનની છડી પોકારાઇ રહી હોય તેમ ઉમરગાંવમાં 4.33 ઇંચ, ડાંગ-આહવામાં 3.07 ઇંચ, ગોંડલમાં 2.16 ઇંચ, કપરાડામાં 1.46 ઇંચ, વાપીમાં 1.42 ઇંચ અને ઉકાઇમાં 1.10 ઇંચ સહીત રાજયના 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
બીજી તરફ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચોમાસાના આગમન માટે સકારાત્મક પરિબળો સર્જાયા છે અને ટુંક સમયમાં ગુજરાતમાં આગમન થશે. હાલ ચોમાસુ ગુજરાતની સરહદે પાલઘર સુધી પહોંચ્યું છે અને ગુજરાતના સાગબારામાં સવારે 6 થી 10 વચ્ચે 2.28 ઇંચ, ડાંગમાં 1.81 ઇંચ, સુબિરમાં 1.81 ઇંચ, ઉછલમાં 0.55 ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ અન્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં ચોમાસા પૂર્વે જ વરસાદની ધમાકેદાર શરૂૂઆત થઈ ગઈ છે. ડુંગરાળ ડાંગ જિલ્લાને આ વરસાદની ખરેખર જરૂૂરિયાત હતી, અને હવે મેઘરાજાના આગમનથી સમગ્ર જિલ્લો જળબંબાકાર થયો છે. વરસાદી માહોલ જામતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, વઘઈ અને સુબીર જેવા તાલુકાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે.
આ ભારે વરસાદને કારણે પૂર્ણા અને અંબિકા જેવી સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે, અને તેઓ બે કાંઠે વહેવા લાગી છે. પહાડી વિસ્તારોમાં વરસાદના જોરને લીધે કોતરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે.
દરિયાઈ પવન અને ટ્રફ સિસ્ટમ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સુરત, ભરૂૂચ, નર્મદા, ડાંગ અને તાપીમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. જ્યારે નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
ઉના-ગીરગઢડા
ઉના-ગીર ગઢડા પંથકમાં ગઇકાલે બપોર બાદ અચાનક વાતાવરણ માં પલટો આવતા ભારે પવન સાથે ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી ગયેલ અને ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયા હતા ગીર ગઢડા પંથકના ધોકડવા, નીતલી, જસાધાર, બેડીયા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી ગયેલ વ્યાપક વરસાદના પગલે ખેડૂતો ના ચહેરા પણ હરખાઈ ગયા હતા તે સીવાય ઉના શહેર માં વરસાદી વાતાવરણ વચ્ચે અમી છાંટણાં વરસ્યા હતા પરંતુ તાલુકા ના સનખડા,ગાંગડા, પશવાળા, સામતેર નાંદરખ સહિતના ગામો માં ધોધમાર વરસાદ વરસી ગયેલ અને ખેતરો માંથી પાણી વહેતા થઈ ગયા હતા. કાગડોળે વરસાદની રાહ જોતા ખેડૂતો પણ વરસાદના આગમનને વધાવ્યું હતું અને વાવણી કાર્યની તૈયારી કરવા લાગ્યા હતા. બેડીયા ગામે વૃક્ષ ધરાશાય થયું હતું તેમજ સનખડા ગામમાં પણ ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ વરસી જતા બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ પી.જી.વી.સી. એલ ના સબસ્ટેશન જે બેન્ક ની સામે આવેલ હોય તેમાં વીજ શોર્ટ લાગતા નંદી મહારાજનું ઘટનાસ્થળે મોત નીપજેલ હતું.
કોટડા સાંગાણી
કોટડાસાંગાણી પંથકમાં ગઇકાલે વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ગરમીમાં શેકાતા લોકોને મોટી રાહત મળી છે. આજે સવારથી જ બપોર સુધી અસહ્ય ગરમી અને બફારાએ લોકોને પરેશાન કરી મૂક્યા હતા. જોકે, બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.
બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને ત્યારબાદ ગાજવીજ તથા તેજ પવન સાથે વરસાદનું આગમન થયું હતું. કોટડા સાંગાણી શહેરમાં માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં 20 મીમી વરસાદ નોંધાયો છે.
