ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાની સટાસટી : માલવણી-પરેલમાં 14-14 ઈંચ, મલાડમાં 13, પવઈ-દાદર-વડાલામાં 12-14 ઈંચ, દિંડોશીમાં 11 ઈંચ વરસાદ, અંધેરી અંડરપાસ બંધ, લોકલ ટ્રેન ખેરવાઈ : મુંબઈ ઉપનગરમાં 10થી વધુ વિસ્તારોમાં 10 ઈંચથી વધુ વરસાદ
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાના આગમન સાથે જ મેઘરાજાએ સટાસટી બોલાવી છે. મુંબઈ અને તેના પરા વિસ્તારોમાં 14 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને લીધે શહેરના ઘણા રસ્તાઓ અને અંડરપાસ પાણી ભરાવાના લીધે બંધ થઈ ગયા છે તો મુંબઈની નસ કહેવાતી લોકલ ટ્રેન પણ અમુક સ્ટેશનોએ પાણી ભરાવાના લીધે ઠપ્પ થઈ ગઈ છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા ગઈકાલે બપોરે મુંબઈ અને મહારાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી હતી. ગઈકાલે સવારે આઠ વાગ્યાથી આજે સવારે આઠ વાગ્યા સુધીમાં મુંબઈ વેસ્ટના માલવાણીમાં 14 ઈંચ, મલાડમાં 13 ઈંચ, પવઈમાં 12 ઈંચ, દિંડોશીમા 11 ઈંચ, મરોલમાં 11 ઈંચ અને બાંદ્રામાં 10॥ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મુંબઈ ઈસ્ટમાં ભાંડુપમા 10॥ ઈંચ, ચેંબુરમાં 11 ઈંચ અને માનખુર્દમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. મુંબઈ સિટીના પરેલમાં 14 ઈંચ, દાદરમાં 12 ઈંચ, વડાલામાં 12 ઈંચ, મુંબઈ સેન્ટ્રલમાં 10 ઈંચ અને મલબાર હિલમાં 10 ઈંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદને કારણે અંધેરી સબવે, હિંદ માતા, દાદર અને મલાડ સબવે સહિતના મુખ્ય સ્થળોએ કામ ચલાઉ ધોરણે પાણી ભરાઈ ગયા હતાં. ગાંધી માર્કેટ અને સાયન ખાતે પણ પાણી ભરાતા કોર્પોરેશન દ્વારા નિકાલની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આજે પણ વધુ વરસાદ પડવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ચોમાસાને આગળ વધવા માટે જરૂરી ભેજનું પ્રમાણ ન હોવાથી છેલ્લા કેટલાક દિવસથી નૈઋત્યનું ચોમાસુ એક જ જગ્યાએ અટકેલું હતું. પરંતુ અનુકુળ પરિસ્થિતિ સર્જાતા ચોમાસુ સવારે અલીબાગ (કોંકણ) સુધી પહોંચી ગયું હતું અને બપોરે મુંબઈમાં આગમન થઈ ગયું હતું. આગામી બે દિવસમાં મહારાષ્ટ્રનાં મોટાભાગને આવરીને ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સત્તાવાર પ્રવેશ કરે તેવી પ્રબળ શકયતા વ્યકત કરાઈ છે.
કયા વિસ્તારમાં કેટલો વરસાદ ?
માલવાણી 14 ઈંચ
પરેલ 14 ઈંચ
મલાડ 13 ઈંચ
પવઈ 12 ઈંચ
દાદર 12 ઈંચ
વડાલા 12 ઈંચ
દિંડોશી 11 ઈંચ
મરોલ 11 ઈંચ
બાંદરા 10॥
ભાંડુપ 10॥ ઈંચ
સેન્ટ્રલ 10 ઈંચ
મલબાર હિલ 10 ઈંચ
