ગોંડલ નજીક ફરી એકવાર ભાદરની પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે. લીકેજ એટલું ભયંકર હતું કે સર્વિસ રોડ પરનો ડામર તોડીને પાણીના ઊંચા ફુવારા હવામાં ઉડ્યા હતા, જેને કારણે નેશનલ હાઈવે પરનો વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ નજીક પાણીની પાઇપલાઇન ફાટતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોંડલ રામદ્વાર તરફથી ઉમવાળા ચોકડી તરફ જતા સર્વિસ રોડ પરથી પસાર થતી ભાદરની મુખ્ય પાણીની લાઈનમાં અચાનક ભંગાણ પડ્યું હતું. પાઇપલાઇનમાં પાણીનું પ્રેશર એટલું ભયંકર હતું કે તેણે સર્વિસ રોડના ડામરને પણ ચીરી નાખ્યો હતો.
ડામર રોડ તોડીને બહાર નીકળેલા પાણીના જોરદાર ફુવારાની સાથે કાંકરા અને ધૂળ પણ હવામાં ઉડ્યા હતા. આ નજારો જોઈને હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા. હાઈવે પરથી પસાર થતી એસ.ટી. બસ, ટ્રક, કાર અને બાઈક સવાર તમામ વાહનચાલકો આ પાણીના ફુવારામાં ભીંજાઈ ગયા હતા.
અચાનક હાઈવે પર પાણીની આટલી મોટી હેલી સર્જાતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની ગતિ ધીમી પડી ગઈ હતી. જો કે, ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા પાછળથી પાણીનો સપ્લાય કંટ્રોલ કરવામાં આવ્યો હતો. હાલમાં પાણીનું પ્રેશર ઘટતા ફુવારા બંધ થયા છે અને હાઈવે પર વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂૂ કરી દેવાયો છે. પરંતુ વારંવાર લાઈનો તૂટવાની આ ઘટનાને પગલે તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
