ડો.ભરત બોઘરાના જન્મદિવસ નિમિત્તે વડીલ વંદના કેમ્પનો 922 દર્દીઓએ લીધો લાભ

કે.ડી.પરવાડિયા હોસ્પિટલ અને માતૃશ્રી પી.કે.બોઘરા મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક નિદાન, દવાઓ અને લેબારેટરી ટેસ્ટ કરાયા : ગામડાના વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ અને નિ:શુલ્ક બસ…

કે.ડી.પરવાડિયા હોસ્પિટલ અને માતૃશ્રી પી.કે.બોઘરા મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક નિદાન, દવાઓ અને લેબારેટરી ટેસ્ટ કરાયા : ગામડાના વડીલો માટે વડીલ વંદના કાર્યક્રમ અને નિ:શુલ્ક બસ સેવાનો પ્રારંભ

જસદણના પૂર્વ ધારાસભ્ય અને શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરાના જન્મદિવસ નિમિત્તે આજે આટકોટ ખાતે માનવતાવાદી અને સેવાકીય કાર્યોનો ત્રિવેણી સંગમ રચાયો હતો. આ શુભ અવસરે શ્રી કે. ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા માતૃશ્રી પી. કે. બોઘરા મેડિકલ કોલેજ દ્વારા એક વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જસદણ, વીંછીયા અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા કુલ 922 દર્દીઓએ નિશુલ્ક સારવાર અને નિદાનનો લાભ લીધો હતો.

આ મહાકેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા હાડકાં અને સાંધાની તપાસ, ગાયનેકોલોજિસ્ટ દ્વારા મહિલાઓના રોગોની તપાસ, કાન-નાક-ગળા (ENT), આંખના રોગો, દાંતની તકલીફો, ડાયાબિટીસ, બીપી, હૃદય રોગ, જૂનો તાવ, પેટ-આંતરડાના રોગો, હરસ-મસા તેમજ બાળ રોગોનું સચોટ નિદાન કરવામાં આવ્યું હતું.

સેવાના આ યજ્ઞમાં માત્ર નિદાન જ નહીં, પરંતુ દર્દીઓ માટે મોંઘા ગણાતા એક્સ-રે (X-Ray), સોનોગ્રાફી, સીટી સ્કેન (CT Scan), કાર્ડિયોગ્રામ (ECG), કાનની બહેરાશની તપાસ, લોહી-પેશાબના વિવિધ લેબોરેટરી રિપોર્ટ્સ તેમજ કેન્સર બાયોપ્સી જેવી જટિલ તપાસ પણ તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત કમર, મણકા અને સાંધાના ઘસારાના દર્દીઓને જરૂૂરી માર્ગદર્શન આપી તમામ દર્દીઓને નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગ્રામીણ વડીલો માટે ‘વડીલ વંદના કાર્યક્રમ’ નો પ્રારંભ: ડો. ભરતભાઈ બોઘરાના જન્મદિવસના આ અવસરને કાયમી સંસ્મરણ બનાવવા માટે હોસ્પિટલ દ્વારા એક ઐતિહાસિક સેવા-પહેલ ‘વડીલ વંદના કાર્યક્રમ’ ની શુભ શરૂૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હવેથી હોસ્પિટલની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વડીલોને ઘરઆંગણેથી હોસ્પિટલ સુધી આવવા-જવા માટે તદ્દન ફ્રી બસ સેવા પૂરી પાડવામાં આવશે. ગામડાના આ વડીલોને હોસ્પિટલ લાવી તેમની સંપૂર્ણ આરોગ્ય તપાસ કરી આપવામાં આવશે અને જરૂૂરી દવાઓ પણ વિનામૂલ્યે અપાશે, જેથી મોટી ઉંમરે તેમને સારવાર માટે ભટકવું ન પડે. ડો. ભરતભાઈ બોઘરાના જન્મદિવસને હોસ્પિટલ અને મેડિકલ કોલેજની ટીમે સાચા અર્થમાં ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ ના મંત્ર સાથે ઉજવીને આરોગ્ય ક્ષેત્રે નવો રાહ ચીંધ્યો છે. કેમ્પને સફળ બનાવવા માટે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, પેરામેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સે ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *