રાજકોટની 20 લાખની વસતીમાં મચ્છરજન્ય રોગચાળાના બે જ કેસ, કમળાથી યુવાનું મોત છતાં કોર્પોરેશન અંધારામાં

ગુરુપ્રસાદ ચોક પાસે ત્રણ માસથી કમળાની બીમારીમાં સપડાયેલા યુવાને દમ તોડ્યો, કોર્પોરેશન ચોપડે ‘નીલ’ રિપોર્ટ રા.મ.ન.પી., એટલે રાજકોટની જનતાને મુર્ખ બનાવવામા પી.એચ.ડી. એવી મહાનગરપાલિકા! કાગળ…

ગુરુપ્રસાદ ચોક પાસે ત્રણ માસથી કમળાની બીમારીમાં સપડાયેલા યુવાને દમ તોડ્યો, કોર્પોરેશન ચોપડે ‘નીલ’ રિપોર્ટ

રા.મ.ન.પી., એટલે રાજકોટની જનતાને મુર્ખ બનાવવામા પી.એચ.ડી. એવી મહાનગરપાલિકા! કાગળ પરની કામગીરી દેખાડીને ઉઠ્યા ભણાવતા મનપાના તંત્રવાહકોએ વધુ એક હાસ્યાસ્પદ અને વાહીયાટ વર્ક રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલ્યો છે. આ વર્ક રિપોર્ટ એવો છે કે, શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં મચ્છરજન્ય રોગચાળાના કેસ માત્ર બે જ નોંધાયા છે. જોવા જેવુ તો એ છે કે, કામગીરીનું ડીંડક છતુ ન થાય એ માટે રોગચાળાથી મોતના કેસ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ છાપરે ચડીને છતો થયો છે. શહેરના ગુરુપ્રસાદ ચોકમાં ત્રિવેણીનગર સોસાયટીમાં રહેતા એક 37 વર્ષિય યુવાનને છેલ્લા ત્રણ માસથી કમળો હતો. આ બીમારી સામે જજુમતા યુવાને અંતે દમ તોડી દીધો છે. પાણીજન્ય રોગચાળાથી મોતનો આ કેસ પણ સરકારને મોકલવાના થતા અઠવાડિક રિપોર્ટમાં છુપાવવામા આવ્યો છે.

રાજકોટમાં સતાવાર ચોમાસુ બેસી ગયુ છે પણ હજુ ઉનાળાનો કહેર ઓછો થયો નથી. આકરો બફારો, તાપ વચ્ચે ખાદ્યજન્ય અને પાણીજન્ય સહિતના રોગચાળાના કેસ ખાનગી હોસ્પિટલોમાં વધી રહ્યા છે. આ વાસ્તવિકતા વચ્ચે પણ મનપાની આરોગ્ય શાખા શહેરમાં રોગચાળો કાબૂમાં આવી ગયો છે તેવુ ભ્રામક ચિત્ર ઉભુ કરતો અઠવાડિક રિપોર્ટ સરકારમાં મોકલવા માટે તૈયાર કર્યો છે. આ રિપોર્ટમાં પાણીજન્ય રોગચાળાથી એક મોત થયાની હકિકત પણ છુપાવવામા આવી છે. શહેરના પીડીએમ પાછળ સ્વામીનારાયણ સર્કલ પાસે ગુરૂૂપ્રસાદ ચોક નજીક આવેલી ત્રિવેણીનગર સોસાયટીમાં અભીજીતસિંહ અજીતસિંહ પરમાર નામના 37 વર્ષિય યુવાનનું કમળાની બીમારીથી મોત થયાનો કેસ મનપાના રિપોર્ટમાં નથી. મનપા અંધારામાં રહી ગઇ છે કે, પછી સરકાર સુધી આ હકિકત ન પહોંચે એ માટે કમળાથી મોતનો કેસ છુપાવવામા આવ્યો છે? એવો સવાલ ઉઠી રહ્યો છે.

ખાસ કરીને આટલા મોટા શહેરમાં જાણે મચ્છરો ગાયબ થઇ ગયા હોય તેવા ઉઠ્યા ભણાવીને રોગચાળાના અઠવાડિક રિપોર્ટમાં 20 લાખની વસતી ધરાવતા આ શહેરમાં મચ્છરજન્ય મેલેરિયા અને ડેન્ગ્યૂના માત્ર 2 જ કેસ નોંધાયા હોવાનું દર્શાવવામા આવ્યુ છે. હકિકત જોઇએ તો આજી નદી કાંઠાની બન્ને બાજુના વિસ્તારો, બેડી ચોકડી પાસેના પુલ નીચે ગાંડી વેલમાંથી તો સાંજે મચ્છરના ઝૂંડના ઝૂંડનો ત્રાસ, શહેરના વોંકળા આસપાસના વિસ્તારોમાં સમી સાંજ પછી મચ્છરોના ઉપદ્રવ અને સાથે મચ્છરજન્ય રોગચાળાની પીડા શહેરીજનો અનુભવી રહ્યા જ છે આમછતા જનતા જાણે કંઇ સમજતી જ નથી તેમ માનીને પ્રજા અને સાથે સરકારને ઉઠ્ઠા ભણાવતો રોગચાળાનો રિપોર્ટ સરકારને મોકલ્યો છે.

શહેરની ભાગોળે ચીભડામાં બીમારીથી ત્રણ માસના બાળકનું મોત
રાજકોટ શહેર જ નહીં પણ તેની ભાગોળે આવેલા વિસ્તારોમાં પણ રોગચાળાની ગંભીર હકિકત સામે આવી છે. લોધિકા હેઠળના ચીભડા ગામમાં રાધિકા લોકેશભાઇ હુદરિયા નામની એક ત્રણ વર્ષની માસુમ બાળકી ઝેરી તાવના ભરડામાં આવી ગઇ હતી. તેમને ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામા આવી હતી. જ્યા ટુંકી સારવારના અંતે મોત નિપજ્યુ હતુ. કેસ મનપાની હદની હોસ્પિટલમાં આવ્યો હોવા છતા મોતની હકિકતથી તંત્ર અંધારામાં છે.

ઝાડા-ઉલ્ટી, તાવ, શરદી-ઉધરસના કેસ ઘટ્યા હોવાનું પણ ચિત્ર ખડું કરાયું
અઠવાડિક રિપોર્ટમાં માત્ર મચ્છરજન્ય જ નહીં પણ અન્ય રોગચાળાના કેસ પણ ઘટયા હોવાનું ચિત્ર ખડુ કરવામા આવ્યુ છે. 20 લાખની વસતી વચ્ચે એક સપ્તાહમાં ઝાડા-ઉલ્ટીના માત્ર 359, તાવના 830 અને શરદી-ઉધરસના 724 જ્યારે ટાઇફોઇડના 2 અને કમળાના 2 કેસ નોંધાયા છે.

મચ્છરોનું બ્રિડીંગ થાય તેવી બેદરકારી દાખવનાર 599 આસામીને નોટિસ
મનપાની મેલેરિયા શાખાએ વિવિધ બાંધકામ સાઇટ, ઓફિસ, કોમ્પ્લેક્સ, સ્કુલ, હોસ્પિટલ, ભંગારના ડેલા, સેલર, વાડી-હોલ સહિત 798 જગ્યાએ મચ્છરોના બ્રીડીંગ સબબ ચેકીંગ કર્યુ હતુ. આ દરમિયાન બેદરકારી દાખવનાર રહેણાંક અને કોમર્શિયલ 599 યુનિટને નોટિસ ફટકારવામા આવી હતી. જ્યારે મનપાની આરોગ્ય અને મેલેરિયા શાખાએ એવો દાવો કર્યો છે કે, મચ્છરજન્ય રોગચાળો કાબૂમાં લેવા માટે ડોર ટુ ડોર કામગીરી ચાલુ રાખવામા આવી છે. એક અઠવાડિયામાં 24873 ઘરમાં પોરાનાશક કામગીરી કરીને ફોગીંગ કરવામા આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *