બગીચાઓ, હોલ અન્ય જાહેર સ્થળોએ કોર્પોરેશન લોકભાગીદારીથી કાયમ માટે શરૂ કરશે 426 યોગ-પ્રાણાયામ સેન્ટર : આજે મનપા અને ગુજરાત યોગ બોર્ડ વચ્ચે થશે એમ.ઓ.યુ.
સોસાયટી, એપાર્ટમેન્ટધારકોની માગણી આવશે તો મનપા ત્યાં પણ ચાલુ કરશે યોગ સેન્ટર
યોગ એ શારરિક અને માનસિક તંદુરસ્તી માટે ઉતમ સાધના છે. ભારતની આ પ્રાચિન સંસ્કૃતિઓને આજે વિદેશીઓ પણ અપનાવવા લાગ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને પ્રોત્સાહન આપીને તેને વૈશ્વિક ફલક પર લઇ જવા માટે દર વર્ષે તા.21 જૂન વિશ્વ યોગ દિવસે સામુહિક યોગની પરંપરા વર્ષોથી શરૂૂ કરેલી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ યોગ પ્રત્યેક લોકોમાં જાગૃતિ આપવાની સાથે લોકોને તેના ઘરની નજીક જ યોગ-પ્રાણાયામની સુવિધા મળી રહે તે માટે એક નવતર પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
મનપાના પ્રયાસોથી ગુજરાત યોગ બોર્ડના સહકારથી શહેરમાં ઘરેથી નીકળતા દર 15 મિનિટે યોગ સેન્ટર ચાલુ થવા જઇ રહ્યુ છે. આવતીકાલે યોગદિવસે ગુજરાત યોગ બોર્ડ અને મહાનગરપાલિકા વચ્ચે યોગ સેન્ટર પ્રોજેક્ટ સંદર્ભે એમ.ઓ.યુ. થવાનું છે તેમ મેયર ડો.નેહલ શુક્લ, મ્યુનિ.કમિશર તુષાર સુમેરા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયા, નેતા ડો.હિરેન ખીમાણિયા અને દંડક સંજયસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપવામા આવી હતી. જો કે હાલ જે જગ્યાએ યોગ ચાલી જ રહ્યા છે એ આયોજનોમાં યોગ બોર્ડ દ્વારા આર્થિક સહકાર મળે જ છે. આવા સ્થળોને પણ આવરી લઇને એક મોટા પ્રોજેક્ટનું રૂૂપકડુ નામ આપી દેવામા આવ્યુ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીને એક દિવસીય કાર્યક્રમ સુધી મર્યાદિત ન રાખી, વર્ષના તમામ 365 દિવસ નાગરિકોના આરોગ્ય અને સુખાકારી માટે યોગને જીવનશૈલીનો અભિન્ન ભાગ બનાવવા દિશામાં દેશવ્યાપી પ્રેરણારૂૂપ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અભૂતપૂર્વ પહેલ અંતર્ગત રાજકોટને ભારતનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુજરાત યોગ બોર્ડ સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી આપવા અંગે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો.હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા દ્વારા પ્રેસમિટ યોજાઇ હતી. જેમા માહિતી આપતા જણાવાયુ હતુ કે, આ નવીન અભિગમ વિશ્વભરમાં પ્રચલિત 15 મિનિટ સિટીના શહેરી આયોજન મોડેલથી પ્રેરિત છે, જેમાં નાગરિકોને દૈનિક જીવનની જરૂૂરી સુવિધાઓ પોતાના નિવાસસ્થાનથી 15 મિનિટના અંતરે ઉપલબ્ધ થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાએ આ વિચારધારાને આરોગ્ય અને સુખાકારી સાથે સાંકળી દરેક નાગરિકને પોતાના ઘરથી માત્ર 15 મિનિટના અંતરે નિ:શુલ્ક યોગ તાલીમની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ કર્યો છે.
આ યોજના અંતર્ગત રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્ક, જાહેર બગીચા, કોમ્યુનિટી હોલ, વોર્ડ કક્ષાના કેન્દ્રો સહિત કુલ 426 સ્થળો નક્કી કરવામા આવ્યા છે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રમાણિત અને પ્રશિક્ષિત યોગ શિક્ષકોની યાદી તૈયાર કરી આ સ્થળોએ તેમની નિમણૂક કરવામાં આવશે, જેથી નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી યોગ તાલીમ સંપૂર્ણપણે નિ:શુલ્ક મળી રહે.
મનપા સંચાલિત 90 શાળાઓમાં યોગ સેન્ટર કેમ ચાલુ ન થઇ શકે?
દર 15 મિનિટે યોગ સેન્ટર મળી જાય તે માટે સ્થળ શોધવાની કવાયતમાં મનપા પાસે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ છે જ. 90થી વધુ શાળાઓ છે. ત્યા યોગ સેન્ટર શા માટે ચાલુ ન થઇ શકે? વહેલી સવારના સમયમાં શાળાનું શૈક્ષણિક કાર્ય પણ બંધ જ હોય છે.
મનપા અને ગુજરાત યોગ બોર્ડની જવાબદારી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બગીચા, જાહેર સ્થળો, કોમ્યુનિટી હોલ અને વોર્ડ સ્તરની સુવિધાઓને યોગ કેન્દ્ર તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. GIS આધારિત ડિજિટલ મેપિંગ અને માહિતી વ્યવસ્થા વિકસાવવામાં આવશે. ગુજરાત યોગ બોર્ડ દ્વારા : પ્રમાણિત અને અનુભવી યોગ શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. નાગરિકોને નિયમિત અને ગુણવત્તાસભર યોગ તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે.
કાલે રેસકોર્સ ક્રિકેટ સ્ટેડિયમમાં સામૂહિક યોગ, સ્વિમિંગપુલમાં એક્વા યોગ
મનપાની વેબસાઇટ પર કરી શકાશે રજિસ્ટ્રેશન, તમામને સર્ટિફિકેટ પણ મળશે
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.21મી જૂન, 2026ના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે સવારે 06:00 કલાકે તેમજ એકવાયોગ, લોકમાન્ય તિલક સ્નાનાગાર, રેસકોર્સ (ફક્ત મહિલાઓ માટે) ખાતે સવારે 08:00 કલાકે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો. નેહલ શુકલ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમના સાંસદ પરસોત્તમભાઈ રૂૂપાલા, રામભાઇ મોકરિયા, ધારાસભ્ય ભાનુબેન બાબરિયા ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા ઉપસ્થિત રહેશે. ભાગ લેવા ઇચ્છુક નાગરિકો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર રજીસ્ટ્રેશન કરી શકશે. યોગ કાર્યક્રમમાં ભાગ લેનાર લોકો સ્થળ ઉપર રાખવામાં આવનાર ચછ ઈજ્ઞમય સ્કેન કરી ડિજિટલ સર્ટિફિકેટ મેળવી શકશે.
નજીકમાં યોગ સેન્ટર ક્યાં છે? GIS ટેક્નોલોજીથી ઓનલાઇન જાણી શકાશે
આ સમગ્ર પહેલમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ યોગ કેન્દ્રોને જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ (ૠઈંજ) આધારિત સ્માર્ટ સિટી પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવશે. નાગરિકો ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના નજીકના યોગ કેન્દ્રનું સ્થાન, સમય અને અન્ય વિગતો સરળતાથી જાણી શકશે, જેના પરિણામે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને રોજિંદા જીવનમાં સરળતાથી અપનાવી શકાશે.
