પ્રિન્ટિંગમાં મોડું થયા બાદ પ્રવેશોત્સવ પહેલા ચોપડા પહોંચાડવા દોડાદોડી

પાઠયપુસ્તક મંડળ દ્વારા રાત ઉજાગરા, દરરોજ દશ લાખ પુસ્તકનું વિતરણ કરાશે રાજ્યના લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા હાલમાં…

પાઠયપુસ્તક મંડળ દ્વારા રાત ઉજાગરા, દરરોજ દશ લાખ પુસ્તકનું વિતરણ કરાશે

રાજ્યના લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા હાલમાં ખૂબ જ વેગવંતી કામગીરી હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે તે માટે મંડળ દ્વારા યુદ્ધના ધોરણે પુસ્તક વિતરણની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં યોજાનારા પ્રવેશોત્સવ પહેલાં જ ધોરણ-9થી 12ના તમામ પુસ્તકો નિર્ધારિત સ્થળોએ પહોંચી જાય તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ પણ પુસ્તક મંડળના ગોડાઉનની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મંડળ દ્વારા રોજના સરેરાશ 10 લાખ પુસ્તકોનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે, જેમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં 21 લાખ પુસ્તકો મોકલવામાં આવ્યા છે. પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા આગામી સપ્તાહમાં પુસ્તકોનું વિતરણ પૂર્ણ કરી દેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ લક્ષ્યાંકને સમયસર સિદ્ધ કરવા માટે મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ અવિરત મહેનત કરી રહ્યા છે, અને ગોડાઉન પર મોડી રાત્રે 3 વાગ્યા સુધી પુસ્તકોના લોડિંગ અને અનલોડિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. હાલમાં મંડળના કેન્દ્રો પર રોજ 10 લાખ પુસ્તકોની આવક થઈ રહી છે, જેની સામે તેટલી જ માત્રામાં એટલે કે 10 લાખ પુસ્તકોની જાવક પણ નોંધાઈ રહી છે. મંડળના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રોજના સરેરાશ 500 ટન વજનના પુસ્તકો જુદા જુદા જિલ્લાઓમાં મોકલવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન શુક્રવારનો દિવસ અતિ મહત્ત્વનો સાબિત થયો હતો. શુક્રવારના રોજ માત્ર એક જ દિવસમાં 700 ટન વજન ધરાવતા આશરે 21 લાખ જેટલા પુસ્તકો અલગ-અલગ જિલ્લાઓ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ઘણા જિલ્લાઓમાં મુખ્ય કેન્દ્રો પર પુસ્તકો પહોંચી ગયા હોવાના કારણે સ્થાનિક કક્ષાએ શાળાઓમાં વિદ્યાર્થીઓને પુસ્તકો આપવાનું વિતરણ પણ શરૂૂ કરી દેવાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે પુસ્તકોના પ્રિન્ટિંગની કામગીરીમાં થોડો સમય વિલંબ જોવા મળ્યો હતો. આ વિલંબ પાછળ વૈશ્વિક સ્તરે સર્જાયેલી યુદ્ધની સ્થિતિ તેમજ કાગળની ખરીદી અંગે કોર્ટમાં ચાલી રહેલા કેસ મુખ્યત્વે જવાબદાર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *