ઉદયપુરમાં ઝિપલાઇન પર 70 ફૂટ ઉંચે બે ગુજરાતી અટવાયા

ઉદયપુરમાં પિચોલા તળાવના કિનારે આવેલી દુધ તલાઈ પર ઝિપલાઇન રાઇડ દરમિયાન બે ગુજરાતી પ્રવાસીઓ અચાનક 70 ફૂટની ઊંચાઈએ અટવાઈ ગયા હતા. આ ઘટનાથી આસપાસના લોકોમાં…

ઉદયપુરમાં પિચોલા તળાવના કિનારે આવેલી દુધ તલાઈ પર ઝિપલાઇન રાઇડ દરમિયાન બે ગુજરાતી પ્રવાસીઓ અચાનક 70 ફૂટની ઊંચાઈએ અટવાઈ ગયા હતા. આ ઘટનાથી આસપાસના લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ હતી અને નીચે વાહનોની અવરજવર ચાલુ હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. જોકે, સ્થળ પર તૈનાત રેસ્ક્યુ ટીમે ત્વરિત કાર્યવાહી કરતાં માત્ર ગણતરીની મિનિટોમાં બંનેને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા હતા.

બુધવારે સાંજે આશરે છ વાગ્યે આ હાદસો બન્યો હતો. ઝિપલાઇન પર અટવાયેલા બંને પ્રવાસીઓએ ભયના માર્યા બૂમાબૂમ કરવા માંડી હતી. એક વીડિયોમાં પણ આ સમગ્ર ઘટના કેદ થઈ છે. ઝિપલાઇન ઓપરેટર શરદ અગ્રવાલે જણાવ્યું કે, અચાનક વાતાવરણમાં આવેલા ફેરફાર અને મજબૂત પવનને કારણે આ સમસ્યા ઉદ્ભવી હતી.

આ ઝિપલાઇન ડીન્દયાલ પાર્ક અને માણિક્યલાલ વર્મા પાર્ક વચ્ચે ચાલે છે, જેની કુલ લંબાઈ 630 મીટર છે અને સામાન્ય રીતે તેને પૂર્ણ કરવામાં 45 સેક્ધડ જ લાગે છે. ઘટના વખતે ગુજરાતના સુનિલ, અલ્પેશ, રિત્વિક અને સુમિત નામના ચાર મિત્રો ઝિપલાઇનનો આનંદ માણવા આવ્યા હતા. તેઓ બે-બેના જૂથમાં બેઠા હતા. એક જૂથ માણિક્યલાલ વર્મા પાર્ક તરફ જઈ રહ્યું હતું ત્યારે અંતિમ 20 મીટર પહેલાં મજબૂત પવનને કારણે તેઓ મધ્યમાં અટવાઈ ગયા હતા.રેસ્ક્યુ ટીમે તરત જ સ્થળ પર પહોંચીને બંનેને સુરક્ષિત રીતે ડીન્દયાલ પાર્ક તરફ પાછા લાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *