રાજકોટથી મુંબઇ અને હૈદરાબાદથી ઇન્ડિગોની ફ્લાઇટમાં કાપ મૂકાયો

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક…

રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂૂ થવાના સપના હજુ સાકાર થયા નથી ત્યાં ડોમેસ્ટીક ફ્લાઈટની ઉડાનમાં પણ કાપ મુકવામાં આવી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધોની નકારાત્મક અસરોને કારણે એવિએશન ફ્યુઅલ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આર્થિક બોજને કારણે એરલાઇન્સ કંપનીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. બીજી તરફ, ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે જ હવાઈ ટ્રાફિકમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ બેવડી પરિસ્થિતિને પહોંચી વળવા માટે એરલાઇન્સ કંપનીઓએ ઓપરેશનલ ખર્ચ ઘટાડવા પોતાની ડોમેસ્ટિક સેવાઓમાં કાપ મૂકવાની અને કેટલાક વિમાનો ગ્રાઉન્ડેડ કરવાની ફરજ પડી છે.

રાજકોટથી ઉડાન ભરતી ઈન્ડીગોની મુંબઈ અને હૈદરાબાદની દૈનિક ફ્લાઇટ્સમાં કાપ મૂકી દેવાયો છે.ઇન્ડિગો એરલાઇન્સે રાજકોટથી ઓપરેટ થતી તેની સેવાઓમાં મોટો ફેરફાર કર્યો છે. કંપની દ્વારા સવારની નવી મુંબઈ અને રાતની હૈદરાબાદની દૈનિક ફ્લાઇટ્સમાં કાપ મૂકી આ બન્ને ફ્લાઈટ હવે દરરોજના બદલે એકાંતરા ઉડાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પૂર્વે 1 જૂનથી એર ઇન્ડિયા કંપનીએ પણ મુંબઈ અને દિલ્હીની 1-1 ફ્લાઇટ કેન્સલ કરી દીધી હતી. હાલની સ્થિતિએ એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હીની 1-1 ડેઇલી ફ્લાઇટ ચાલુ છે, જ્યારે ઇન્ડિગોની નવી મુંબઈ-1, મુંબઈ-4, દિલ્હી-2 અને બેંગલોર-1 ફ્લાઇટ કાર્યરત છે.

આ ઉપરાંત પુનાની ફ્લાઇટ સપ્તાહમાં 4 દિવસ અને નવી મુંબઈ તેમજ હૈદરાબાદની 1-1 ફ્લાઇટ એકાંતરા દિવસોમાં સેવા આપી રહી છે. સૌથી નોંધનીય બાબત એ છે કે, રાજકોટના આ અત્યાધુનિક એરપોર્ટને ’આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ નો દરજ્જો અને ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો મળ્યા છે, પરંતુ વર્તમાન સમયમાં અહીંથી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ કાર્યરત નથી. સ્થાનિક સેવાઓમાં થઈ રહેલો આ ઘટાડો અને વૈશ્વિક મોંઘવારીની અસરો જોતાં, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓને અન્ય મોટા શહેરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે, જે પ્રાદેશિક કનેક્ટિવિટીના વિકાસ આડે એક મોટો પડકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *