અધિક જેઠ માસના અંતિમ ચરણમાં સોમનાથ ખાતે ભાવિકો ઉમટયા

પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા સનાતન ધર્મમાં અધિક માસને…

પ્રતિ દિન 1 લાખથી વધુ ભક્તો કરી રહ્યા છે દર્શન, માસિક શિવરાત્રિ પર હજારો ભક્તો ’હર હર મહાદેવ’ના નાદમાં લીન થયા

સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ, કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે. ત્યારે આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે અને ભક્તોનો સમુદ્ર હિલોળે ચડ્યો છે. જેમાં અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિન 1 લાખ થી વધું ભક્તો દર્શન પામી રહ્યા છે.

માસિક શિવરાત્રિના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનાર ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. માસિક શિવરાત્રિ નિમિત્તે યોજાયેલ જ્યોત પૂજન, મધ્ય રાત્રિની મહાપૂજા અને મહા આરતીના અલૌકિક દર્શન માટે હજારો ભક્તોથી મંદિર પરિસર તરબોળ થયું હતું. આ સમગ્ર પરિસર ’હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્ય રાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.
અધિક માસમાં પુણ્ય અર્જન કરવાનો એક પણ અવસર ભક્તો ચૂકવા માંગતા નથી હોતા. તેમાં પણ જ્યારે સોમવતી અમાસના દિવસે અધિક માસની પૂર્ણાહુતિ થઈ રહી છે, ત્યારે સોમનાથ તીર્થમાં ભાવિકોનો વિશેષ અને ઐતિહાસિક મેળાવડો જોવા મળશે.

શાસ્ત્રોક્ત મહિમા: સ્કંદ મહાપુરાણના પ્રભાસ ખંડના અધ્યાય 04 ના શ્ર્લોક 120 માં સોમવતી અમાસનું મહત્વ વર્ણવતા જણાવાયું છે કે સોમવતી અમાવસ્યા પર સોમેશ્વર દેવની પૂજા અને દર્શન કરવાથી લાખો યજ્ઞો કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. આગામી તા. 15 જૂનના રોજ પવિત્ર સોમવતી અમાસે શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારનાર લાખો ભક્તોની સુવિધા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુરક્ષા, દર્શન અને વ્યવસ્થાપન માટેની આગવી અને સુદ્રઢ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *