ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર દારૂની મહેફિલ માણતા 7 શખ્સો ઝડપાયા

રાજકોટ શહેરમાં મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પાણીના ટાંકાની અગાસી ઉપર ગેરકાયદેસર રીતે દારૂૂની મહેફિલ માણી રહેલા સાત ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે.…

રાજકોટ શહેરમાં મોડી રાત્રે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા પાણીના ટાંકાની અગાસી ઉપર ગેરકાયદેસર રીતે દારૂૂની મહેફિલ માણી રહેલા સાત ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. 12 જૂન 2026 ના રોજ રાત્રિના સમયે બી-ડિવિઝન પોલીસની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ ચાવડાને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીના ટાંકાની અગાસી પર અમુક લોકો દારૂૂની મહેફિલ માણી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે તાત્કાલિક બે રાહદારી પંચોને સાથે રાખીને રાત્રે આશરે 10:45 વાગ્યે બાતમીવાળી જગ્યાએ પ્લાન મુજબ રેડ કરી હતી.

પોલીસે જ્યારે પાણીના ટાંકાની અગાસી પર દરોડો પાડ્યો ત્યારે ત્યાં સાત ઇસમો ગોળ કુંડાળું વળીને હાથમાં પ્લાસ્ટિકના ગ્લાસ સાથે કેફી પ્રવાહી પીતા જોવા મળ્યા હતા. પોલીસને જોઈને આ તમામ શખ્સો થોથરાતી જીભે વાત કરવા લાગ્યા હતા અને તેમની આંખો નશાથી ઘેરાયેલી જણાતી હતી. ઘટનાસ્થળેથી પોલીસને ભારતીય બનાવટના વિદેશી દારૂૂ ’રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કી’ (ફોર સેલ ઇન પંજાબ ઓન્લી) ની 750 એમ.એલ. ની બે ખાલી બોટલો, પ્લાસ્ટિકની પાણીની બોટલો અને નમકીનના પેકેટો મળી આવ્યા હતા. પીવા માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાનું સ્વીકારતા પોલીસે આ તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પકડાયેલા આરોપીઓમાં નિખિલભાઈ જીલુભાઈ કરપડા (ઉં.વ. 33, રહે. હરીઘવા રોડ), અજીતભાઈ બટુકભાઈ ગોંડલીયા (ઉં.વ. 46, રહે. સંતકબીર રોડ), વિશાલભાઈ બાલકદાસ સરપદડીયા (ઉં.વ. 33, રહે. આરટીઓ ઓફિસ પાછળ), સંજયભાઈ મગનભાઈ વાઘેલા (ઉં.વ. 30, રહે. આરટીઓ ઓફિસ પાછળ), કિશન છબીલદાસ સરપદડીયા (ઉં.વ. 27, રહે. સંતકબીર રોડ), રાજેશભાઈ અમીરશીભાઈ બાબરીયા (ઉં.વ. 43, રહે. ભગવતીપરા) અને અમિતભાઈ જેશંગભાઈ બાબરીયા (ઉં.વ. 46, રહે. રેલનગર) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ સાતેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુન્હો નોંધીને કાયદેસરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર ચાવડા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *