રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા એલ.આઇ.જીના જર્જરિત કવાર્ટર ધારકોને અપાયેલી નોટિસોના પગલે કવાર્ટર ધારકોએ રિપેરીંગના બદલે અન્ય વિકલ્પો આપવા મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડનાં કવાર્ટર LIG 432+360=79 ના અમો રહેવાસીઓ છીએ અને અમો વર્ષોથી અહીંયા રહીને અમારા પરિવારનું ગુજરાન કરીએ છીએ કવાટર્સ અમોને ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ બોર્ડ તરફથી ફાળવવામાં આવેલ છે. જેના મોટા ભાગના તમામ હપ્તા ભરાઈ કરી આપેલ છે. સદરહું કવાટર્સ ખાલી કરવાની અને લાઈટ, પાણીની આવશ્યક સેવાઓથી વંચિત રાખવામાં આવશે તેવી નોટીસ પાઠવવામાં આવેલ છે. જે યોગ્ય, વ્યાજબી અને બંધારણીય રીતે વ્યાજબી નથી.
સદરહું કવાટર્સના લાભાર્થીઓને લાઈટ, પાણી જેવી આવશ્યક સુવિધાઓથી વંચિત ન કરી શકાય પરંતુ આ બાબતે અન્ય વિકલ્પો જેવા કે કવાટર્સમાં રીનોવેશન કરાવવું જે અમો કરવા તૈયાર છીએ અને અન્ય વિકલ્પ રી-ડેવલોપમેન્ટ (નવા કવાટર્સ બનાવવા)ના વિકલ્પો છે.
અમો અહીં વર્ષોથી રહેતા હોઈએ અને અમારો રહેવાનો એક માત્ર આશરો હોય ઘરથી બેથર કરી શકાય નહીં. જેથી આ બાબતે અન્ય વિકલ્પો અમોને આપવામાં આવે અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી છે. ઉપરોકત બાબતે અમોને ગુજરાત ગ્રામ ગૃહનિર્માણ તરફથી આવી કોઈ નોટીસ કે આદેશ કરવામાં આવેલ નથી.
