બિયારણ કે ખાતરના વેચાણમાં ગેરરીતિ ઝડપાશે તો વેપારી સામે ફોજદારી પગલા

રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં…

રાજ્યના ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળું અને પૂરતા પ્રમાણમાં ખાતર, બિયારણ તેમજ જંતુનાશક દવાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અસરકારક પગલાં ભરી રહી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગેરરીતિ આચરતા તત્વોને ચેતવણી આપી છે કે, ખેડૂતોના હિત-શત્રુઓ, ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછી ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર સાંખી નહીં લે. આવા ગેરકાનૂની કામ કરતાં તત્વો સામે કાયદાનું શસ્ત્ર ઉગામીને કડક કાનૂની પગલાં ભરવા માટે કૃષિ વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 હેઠળ ખાતર અને બિયારણની ગુણવત્તા સુનિશ્ચિત કરતા કેન્દ્ર સરકારના ચોક્કસ હુકમો અમલમાં છે. આ કાયદા હેઠળ જો કોઈ પણ સંસ્થા કે વિક્રેતા ગેરકાયદેસર પ્રવૃત્તિ કે અનિયમિતતા આચરતા પકડાશે, તો ગુનાની ગંભીરતા જોઈને માત્ર લાયસન્સ જ રદ નહીં થાય, પણ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ કરવામાં આવશે.

આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો અને ઇસમો સામે ’ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી (પીબીએમ) એક્ટ- 1980’ હેઠળ જેલની સજા અને દંડ થાય તેવા કડક આદેશો આપી દેવાયા છે. ખેડૂતોના હિતોના રક્ષણ માટે કૃષિ વિભાગ હસ્તકનું ગુણવત્તા નિયંત્રણ તંત્ર રાત-દિવસ એક કરીને સતત સતર્કતા સાથે કામ કરી રહ્યું છે. ચાલુ વર્ષે માત્ર ત્રણ જ મહિનામાં 85 વિજીલન્સ ટીમોએ બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ 3,526 ઉત્પાદકો અથવા વિક્રેતાઓ તેમજ ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 74 એકમોની સઘન તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગુણવત્તાની ચકાસણી માટે કુલ 1,060 નમૂનાઓ લેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન અનિયમિતતા જણાતા અત્યાર સુધીમાં 752 વિક્રેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે, નિયમોના ઉલ્લંઘન કરતા પકડાયેલા ખાતરના 42, બિયારણના 6 અને જંતુનાશક દવાના 6 મળીને કુલ 54 લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયા છે. આટલું જ નહીં, ગંભીર બેદરકારી બદલ ખાતરના એક અને જંતુનાશક દવાના એક મળી કુલ બે ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા 22 એકમોની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

કૃષિ વિભાગ દ્વારા સબસિડીવાળા ખાતર પર પણ કડક વોચ રાખવામાં આવી રહી છે, સરકારી સબસીડાઈઝ ખાતરનું વેચાણ કરતી તમામ પેઢીઓના ઙઘજ મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી થઈ રહી છે, જેથી કાળાબજારી અટકાવી શકાય. ચાલુ વર્ષમાં આજ-દિન સુધી કુલ 4674 ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લઈને, તેમાં રાસાયણીક ખાતરના વેચાણમાં નિયંત્રણ રહે અને કોઈ અનિયમિતતા ન થાય તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *