કોંગ્રેસ પક્ષમાં હાલમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે એક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે ત્યાં બીજી અનેક મુશ્કેલીઓ સામે આવે છે. કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મંત્રીપદ અને ખાતાની ફાળવણીને લઈને જે અસંતોષ ભભૂકી રહ્યો છે, તેના કારણે પક્ષની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યો.
કર્ણાટકમાં સરકાર રચાયાના સમયથી જ પક્ષમાં જૂથબંધી જોવા મળી રહી છે. ઘણા વરિષ્ઠ ધારાસભ્યો અને મંત્રીઓ પક્ષના નેતૃત્વથી નારાજ છે કારણ કે તેમને તેમની પસંદગીના ખાતા (ઙજ્ઞિરિંજ્ઞહશજ્ઞ) મળ્યા નથી. આ સિવાય, વિકાસના કામોમાં ભંડોળની ફાળવણી અને જિલ્લા સ્તરે તેમની અવગણના થતી હોવાની ફરિયાદો પણ વારંવાર ઉઠી રહી છે. આંતરિક કલહને કારણે વહીવટી કામગીરી પર પણ અસર પડી રહી છે, જેનાથી પક્ષની છબી ખરડાઈ રહી છે.રાજ્ય સ્તરે અનેકવાર સમજાવટના પ્રયત્નો નિષ્ફળ રહ્યા બાદ, નારાજ મંત્રીઓનું એક મોટું જૂથ પોતાની સમસ્યાઓ લઈને દિલ્હી પહોંચ્યું છે. તેમનો હેતુ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વ એટલે કે હાઈકમાન્ડ સામે પોતાની વાત રાખવાનો છે. આ મંત્રીઓ ઈચ્છે છે કે રાજ્યના સંગઠનમાં ફેરફાર કરવામાં આવે અને વહીવટી નિર્ણયોમાં તેમની સલાહ લેવામાં આવે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ સરકારમાં રહીને પણ મોટો બળવો કરી શકે છે, જે કોંગ્રેસ માટે રાજકીય સંકટ ઊભું કરી શકે છે.
કર્ણાટક એ કોંગ્રેસ માટે દક્ષિણ ભારતનું સૌથી મજબૂત ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, હાઈકમાન્ડ માટે આ વિવાદને હળવાશથી લેવો શક્ય નથી. એક તરફ લોકસભાની તૈયારીઓ અને બીજી તરફ રાજ્યમાં આંતરિક જૂથબંધી – આ બંને મોરચે લડવું પક્ષ માટે પડકારજનક છે. હાઈકમાન્ડે હવે મધ્યસ્થતા કરીને તમામ ધારાસભ્યોને સાથે લઈને ચાલવું પડશે. આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં થનારી આ બેઠકો જ નક્કી કરશે કે કર્ણાટક કોંગ્રેસમાં શાંતિ આવશે કે પછી આ આંતરિક વિખવાદ સરકારને પતન તરફ લઈ જશે.
