ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં જૂની અદાવતને લઈ એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરી તેમની કાર, દુકાન અને અન્ય મિલકતોમાં તોડફોડ કરતાં પોલીસ ફરિયાદ નોંધાય છે.
બનાવ ની વિગત એવી છે કે ભાવનગરની સ્નેહમિલન સોસાયટીના પ્લોટ નં. 64/બી ખાતે રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ચલાવતા સતારભાઈ અબ્રાહમભાઈ ઉચડીયાએ બે વર્ષ અગાઉ સાબિર છોટુભાઈ ચુડેસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવત રાખી આરોપી ગત મોડી રાત્રે લોખંડની પાઈપ સાથે સતારભાઈના ઘરે પહોંચ્યો હતો અને અપશબ્દો બોલી હોબાળો મચાવ્યો હતો.
સતારભાઈએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ કરિયાણાની દુકાનના શટર પર પાઈપના ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત બાથરૂૂમની પાઈપ તોડી નાખી હતી તેમજ સીસીટીવી કેમેરા અને ઘરના દરવાજાને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આટલેથી ન અટકતા આરોપી લોખંડની પાઈપ લઈને સતારભાઈને મારવા દોડ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે સતારભાઈએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સાબિર છોટુભાઈ ચુડેસરા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
