પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. શુક્રવારે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગ તરફ મોકલવામાં આવેલા ઈરાનના ચાર ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હતા. આ ઘટનાના જવાબમાં અમેરિકી દળોએ ઈરાનના દરિયાકાંઠાના દેખરેખ રડાર ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડએ સોશિયલ મીડિયા પર કાર્યવાહી અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ ડ્રોનના કારણે વિસ્તારના સમુદ્રી પરિવહનને તાત્કાલિક જોખમ ઊભું થયું હતું. સુરક્ષાના હિતમાં ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા. અમેરિકી સંરક્ષણ વિભાગના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં આવા હુમલાઓને અટકાવવા માટે હોર્મુઝ જળમાર્ગ નજીક આવેલા એક દ્વીપ સહિત અનેક દરિયાકાંઠાના રડાર મથકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ વિસ્તારમાં અમલમાં રહેલા અસ્થાયી યુદ્ધવિરામ પર પણ સવાલો ઊભા થયા છે.
આ સૈન્ય અથડામણનો બનાવ આ અઠવાડિયાની શરૂૂઆતમાં કૂવૈતના મુખ્ય એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલા બાદ સામે આવ્યો છે. હુમલામાં પેસેન્જર ટર્મિનલને ભારે નુકસાન પહોંચ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઘાયલ થયા હતા. હુમલા બાદ એરપોર્ટને થોડા સમય માટે બંધ કરવાની ફરજ પડી હતી.
આ દરમિયાન વધતા તણાવ અને યુદ્ધવિરામ ભંગ થવાની આશંકાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પએ વિસ્કોન્સિનમાં ખેડૂતો સાથેના એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ઈરાન સાથેની સ્થિતિ હાલ સારી રીતે આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે અમેરિકા આ મુદ્દે ખૂબ જલ્દી અને મજબૂત નિર્ણય લેશે, પછી ભલે તે રાજદ્વારી વાતચીત દ્વારા હોય કે કડક પગલાં દ્વારા.
