રાજ્યભરમાં ઉનાળુ વેકેશનના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. સોમવારથી રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓ ફરીથી ધમધમતી થશે. જોકે, હાલમાં પડી રહેલી આકરા તડકા અને અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જે પ્રાથમિક શાળાઓ સવારની પળીમાં જ શરૂૂ કરવા અંગે સૂચના આપવામાં આવી છે.
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે આ અંગે જણાવ્યું હતું કે, સોમવારથી શાળાઓ શરૂૂ થઈ રહી છે, પરંતુ વર્તમાન ગરમીના વાતાવરણને જોતા વિદ્યાર્થીઓને બપોરના સમયે તડકામાં અવર-જવર ન કરવી પડે તે માટે રાજકોટ શહેર અને જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને આગામી 30 જૂન સુધી માત્ર સવારની પાળીમાં જ ચલાવવા આદેશ આપવામાં આવ્યા છે.
એક તરફ શિક્ષણ વિભાગ ગરમીને કારણે શાળાઓનો સમય બદલવા માટે કહી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. વેકેશન પૂર્ણ થયા પહેલા જ કેટલીક ખાનગી શાળાઓએ શિક્ષણકાર્ય શરૂૂ કરી દીધું હતું. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શહેરની 30 જેટલી ખાનગી શાળાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ શાળાઓને એક અઠવાડિયાની અંદર નોટિસનો યોગ્ય જવાબ આપવા માટે તાકીદ કરવામાં આવી છે.
