ગોંડલમાં ખાલી પડેલી પ્રાંત અધિકારીની જગ્યા પર કડક અધિકારીની નિમણૂક કરવા માંગ

ગોંડલ અને જેતપુરના પ્રાંત અધિકારી ગમારાની તાજેતરમાં બઢતી સાથે બદલી થતાં ગોંડલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ડેપ્યુટી કલેક્ટર) ની જગ્યા ખાલી પડી છે. આ પદ પર…

ગોંડલ અને જેતપુરના પ્રાંત અધિકારી ગમારાની તાજેતરમાં બઢતી સાથે બદલી થતાં ગોંડલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ડેપ્યુટી કલેક્ટર) ની જગ્યા ખાલી પડી છે. આ પદ પર હવે કોઈ નિષ્પક્ષ અને બાહોશ અધિકારીની નિમણૂક કરવામાં આવે તે માટે ગોંડલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદસિંહ ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખાયેલા પત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે, ગોંડલ વિસ્તારમાં હાલ ખનિજ ચોરી, ડુપ્લિકેટ ડીઝલ (કઉઘ) નું ખુલ્લેઆમ વેચાણ અને ગરીબોના હકના રેશનના પુરવઠાનું બારોબાર વેચાણ થઈ રહ્યું છે. આ ઉપરાંત, મહેસૂલના ગેરકાયદેસર હુકમો, ગૌચરની જમીનની ગેરકાયદે ફાળવણી તેમજ પ્રદૂષણ નિયંત્રણ મામલે તંત્રની ઘોર બેદરકારી જેવી અનેક સમસ્યાઓ ગોંડલ વિસ્તારમાં ફૂલી-ફાલી છે.કોંગ્રેસ પ્રમુખે ઉદાહરણ આપતા જણાવ્યું છે કે, જે રીતે પોલીસ ડિપાર્ટમેન્ટમાં રાજકોટ રેન્જ આઈ.જી. તરીકે નિર્લિપ્ત રાય જેવા કડક અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, તેવી જ રીતે ગોંડલમાં મહેસૂલી અને વહીવટી પ્રક્રિયાની બેદરકારી દૂર કરવા કડક અને નિષ્પક્ષ અધિકારીની જરૂૂર છે. તેમણે ગોંડલ પ્રાંત અધિકારી તરીકે એચ.ટી. મકવાણા અથવા ચિંતન વૈષ્ણવ જેવા બાહોશ અધિકારીની નિમણૂક કરવા વિશેષ માંગ કરી છે.

પત્રમાં વધુમાં જણાવાયું છે કે ગોંડલ પંથક ખુબ સંવેદનશીલ વિસ્તાર તરીકે જાણીતો છે. ગોંડલની સામાન્ય પ્રજામાં એવી માન્યતા છે કે ગોંડલમાં મહેસૂલી અધિકારી તરીકે માત્ર અમુક રાજકીય લોકોના માનીતા અધિકારીઓની જ નિમણૂક થાય છે અને અમુક ખાસ લોકોના જ કામ થાય છે. આ વખતે કોઈ કડક અને બાહોશ અધિકારીની ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક કરીને સામાન્ય પ્રજાના માનસમાં રહેલી આ માન્યતાને દૂર કરવા મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ પત્રની નકલ રાજ્યના મહેસૂલ મંત્રી અને મહેસૂલ સચિવને પણ મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *