માણાવદર કોંગ્રેસનું મોંઘવારી, પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન

માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ દેશ અને રાજ્યમાં વધી રહેલી મોંઘવારી તથા NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો…

માણાવદર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ દેશ અને રાજ્યમાં વધી રહેલી મોંઘવારી તથા NEET પરીક્ષાના પેપર લીક મામલે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ માણાવદરના મામલતદાર મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પત્રમાં પ્રજાને અસર કરતા આ બે ગંભીર મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્તમાન શાસનમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે.
રોજિંદી જરૂૂરિયાતની ચીજવસ્તુઓ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં મોટો વધારો થયો છે. આ મોંઘવારીને કારણે જૂનાગઢ જિલ્લા સહિત દેશ અને રાજ્યના ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે, જેનાથી બે ટંકનું ભોજન મેળવવું પણ મુશ્કેલ બન્યું છે.

કોંગ્રેસે NEET પેપર લીકની ઘટના અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ આર્થિક તંગી વેઠીને પણ પોતાના સંતાનોને ભણાવે છે. યુવાનો પણ ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ મહેનત કરીને પરીક્ષાઓની તૈયારી કરે છે. જોકે, વારંવાર પેપર લીક થવાની ઘટનાઓને કારણે લાખો શિક્ષિત બેરોજગાર યુવાનોની વર્ષોની મહેનત નિરર્થક બની જાય છે. આવી બેદરકારી યુવા પેઢીના ભવિષ્યને અંધકારમય બનાવી રહી છે અને તેમની નોકરી મેળવવાની આશાઓ પર પાણી ફેરવી રહી છે.

આ વિરોધ પ્રદર્શન અંતર્ગત માણાવદર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ સ્ટેશન પાસેથી ગેસના બાટલા સાથે રેલી કાઢવામાં આવી હતી અને ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત ઠુંમર, શહેનાઝબેન બાબી, જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, કોંગ્રેસ આગેવાન રાજ કાનગડ, મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જોલીત બુસા, કાનભાઇ જલુ, રાણાભાઇ કોડીયાતર સહિત કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *