વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પશ્ર્ચિમ રેલવેના વ્યાપક વિકાસ પર મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સાથે ગુજરાત મિરરની ખુલ્લી વાતચીત
વેસ્ટર્ન રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા. તંત્રી શ્રી સંજય પટેલ સાથે આત્મીય મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય રેલ્વેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પહેલાં વિકાસ કાર્યો માટે બજેટની અછત હતી અને હવે બજેટના અમલ અંગે ચિંતા થાય છે કે આટલું બધું કેમ વપરાતું નથી, છેલા બાર વર્ષથી વેસ્ટર્ન રેલવેના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, પહેલાં વિકાસ કાર્યો માટે બજેટ જ નહોતું અને હવે જે બજેટ આવે છે તેનો અમલ અદ્ભુત ગતિએ થઈ રહ્યો છે. આ રેલ્વે પરિવહન અને વિકાસ વચ્ચેની ધોળી નસ છે.
રાજકોટ સહિત 6 ડિવિઝનમાં ફેલાયેલા વેસ્ટર્ન રેલ્વે વિસ્તારમાં વર્તમાન સમયે ઘણા મોટા પ્રોજેક્ટ્સ ઝડપથી અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. ટ્રેક વિસ્તાર, સ્ટેશન વિકાસ, આધુનિકીકરણ, વંદે ભારત જેવી ટ્રેનો અને ઇલેક્ટ્રિફિકેશન જેવા કાર્યોમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી રહી છે. વિનીત અભિષેકે વધુમાં જણાવ્યું હતું કે, રેલ્વે માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ રાષ્ટ્રીય વિકાસનું મહત્વનું પ્રતીક છે.
હાલમાં ચાલી રહેલા નવા સ્ટેશનોનું નિર્માણ અને જૂના સ્ટેશનોનું સૌંદર્યીકરણ પર તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી અને સાથે જ હાઈ સ્પીડ અને સેમી હાઈ સ્પીડ કોરિડોરના કામોમાં તેજી તેમજ મહિલા યાત્રીઓ, વિકલાંગ અને સામાન્ય મુસાફરો માટે વધુ સારી સુવિધાઓ માટેના પ્રકલ્પો વિશે જણાવ્યું હતું. વેસ્ટર્ન રેલ્વે અધિકારીઓના મતે આ તમામ વિકાસ કાર્યો ગુજરાતના આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.
ગુજરાત મિરર સાથેની આ વાતચીતમાં શ્રી વિનીત અભિષેકે ભારપૂર્વક કહ્યું કે રેલ્વે વિકાસની આ યાત્રા અટકવાની નથી અને આગામી દિવસોમાં વધુ નવા પ્રોજેક્ટ્સ અને સુવિધાઓ જાહેર કરવામાં આવશે. તેમની સાથે રાજકોટ ડિવિઝનનાં જન સંપર્ક અધિકારી વિવેક તિવારી ઉપસ્થિત રહ્યા હતા.
