આંતરરાષ્ટ્રીય સ્તરે નબળી માંગ અને સતત વધી રહેલા સંચાલન ખર્ચ (ઓપરેટિંગ કોસ્ટ)ના કારણે દેશની અગ્રણી એરલાઇન કંપની ’ઈન્ડિગો’એ મોટો નિર્ણય લીધો છે. ઈન્ડિગો આગામી જુલાઈ મહિનાથી ભારતીય પ્રવાસીઓમાં લોકપ્રિય એવા 6 આંતરરાષ્ટ્રીય રૂૂટ્સ પર પોતાની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરવા જઈ રહી છે. ઉનાળાના વેકેશનની ચાલુ સીઝન વચ્ચે એરલાઇન દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
એરલાઇનના જણાવ્યાનુસાર, દક્ષિણ-પૂર્વ એશિયા અને ચીનના પ્રવાસી તેમજ વ્યવસાયિક શહેરોને જોડતા નીચેના રૂૂટ્સ 30મી સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. હેલી જુલાઈથી બંધ થનારા રૂૂટ: મલેશિયાનું લેંગકાવી, થાઈલેન્ડનું ક્રાબી અને વિયેતનામનું હો ચી મિન્હ સિટી અને ત્રીજી જુલાઈથી બંધ થનારા રૂૂટ: ચીનનું હોંગકોંગ અને શાંઘાઈ તેમજ કંબોડિયાનું સીમ રીપ છે.
ઈન્ડિગોએ જાહેરાત કરી છે કે પહેલી ઓક્ટોબરથી તમામ છ રૂૂટ માટે બુકિંગ ફરી શરૂૂ થશે. જો કે, જો બજારમાં માંગમાં સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલા ફરી શરૂૂ થઈ શકે છે. એરલાઈને આ પગલાને તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં મર્યાદિત અને નાના ફેરફાર તરીકે વર્ણવ્યું છે. જો બજારની સ્થિતિ અને માંગમાં ઝડપથી સુધારો થશે, તો આ સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી પણ શરૂૂ થઈ શકે છે. વર્ષનો આ ત્રિમાસિક ગાળા (ક્વાર્ટર) મુસાફરી માટે સામાન્ય રીતે નબળો ગણાય છે, વત્તા વર્તમાન ખર્ચનું વાતાવરણ પણ પડકારજનક હોવાથી આ નાનો ફેરફાર કરાયો છે.
આ નિર્ણયથી જે મુસાફરોની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે, તેમને એરલાઇન દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે. પ્રવાસીઓને પૂરેપૂરું રિફંડ અથવા મુસાફરીના અન્ય વૈકલ્પિક ઓપ્શન આપવામાં આવશે. આ કામચલાઉ ઘટાડા છતાં ઈન્ડિગો દર અઠવાડિયે 1,800થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન ચાલુ રાખશે. કંપની આગામી સમયમાં વૈશ્વિક સ્થિતિ, સંચાલન ખર્ચ અને એરસ્પેસના પ્રતિબંધો પર બારીકાઈથી નજર રાખશે.
