ક્રિકેટમાં આજે પણ ફિક્સિગં થાય છે, લલિત મોદીનો ગંભીર આરોપ

જો કે આઇપીએલમાં આવી પ્રવૃતિનો ઇનકાર કર્યો, દાઉદ ઇબ્રાહિમ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, પોડકાસ્ટમાં ખુલીને કરી વાત ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર…

જો કે આઇપીએલમાં આવી પ્રવૃતિનો ઇનકાર કર્યો, દાઉદ ઇબ્રાહિમ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, પોડકાસ્ટમાં ખુલીને કરી વાત

ઇન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ કમિશનર લલિત મોદી અવારનવાર પોતાના વિવાદાસ્પદ અને ચોંકાવનારા નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે એક નવો દાવો કરીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. લલિત મોદીનું કહેવું છે કે ક્રિકેટમાં આજે પણ મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે. જોકે, તેમણે આઈપીએલમાં આવી કોઈ પ્રવૃત્તિ થતી હોવાનો ઈનકાર કર્યો છે. તેમનું માનવું છે કે આઈપીએલ હવે ખેલાડીઓ માટે એટલી ફાયદાકારક લીગ બની ગઈ છે કે કોઈ પણ ખેલાડી પૈસા માટે પોતાના કરિયરને દાવ પર લગાવવાનું જોખમ નહીં લે.

લલિત મોદીએ ક્રિકેટના એક પ્રખ્યાત પોડકાસ્ટમાં ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગ સહિતના અનેક ગંભીર મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. લલિત મોદીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું આઈપીએલમાં આજે પણ ફિક્સિંગ થાય છે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “રમતગમતમાં ભ્રષ્ટાચાર હવે ઘણો વિકસિત અને જટિલ સ્તરે પહોંચી ગયો છે. ક્રિકેટમાં ફિક્સિંગ ચોક્કસપણે થઈ રહ્યું છે. તે ખૂબ જ હાઈટેક અને અટપટું બની ગયું છે. આઈપીએલમાં ફિક્સિંગ છે કે નહીં, તે મને ખબર નથી.

મને નથી લાગતું કે આઈપીએલમાં આવું કંઈ હોય, પણ હું ચોક્કસપણે કહી શકું નહીં કારણ કે મારી પાસે તેની કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ હા, મને ખાતરી છે કે આ દૂષણ દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “દરેક રમતને પોતાની સમસ્યાઓ હોય છે. હું તમને આ બાબતે સ્પષ્ટ ’હા’ કે ’ના’ માં જવાબ આપી શકું તેમ નથી. હું ઈચ્છું છું કે તમે મારી આ આખી વાતને એમને એમ જ પ્રસારિત કરો, આ હિસ્સાને કાપશો નહીં, નહીં તો લોકો તેનો ખોટો અર્થ કાઢશે. કારણ કે હું ખૂબ સ્પષ્ટ કહી રહ્યો છું કે મને આઈપીએલ વિશે હાલની સ્થિતિએ કશી ખબર નથી.”

લલિત મોદીએ એવો દાવો કર્યો કે, તેઓ ક્રિકેટ એડમિનિસ્ટ્રેશનથી દૂર થયા તેની પાછળનું સૌથી મોટું કારણ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેના સાગરીતો તરફથી મળેલો જાનનું જોખમ હતું. તેમણે આરોપ લગાવ્યો કે, “મેં ક્રિકેટમાં મેચ ફિક્સિંગને નજરઅંદાજ કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો, જેના કારણે મારા પર ત્રણ વખત હુમલો કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મેચ ફિક્સિંગ પર ચૂપ રહેવાના બદલામાં મને કરોડો ડોલરની ઓફર કરવામાં આવી હતી, પરંતુ મેં તે તમામ ઓફરો ઠુકરાવી દીધી હતી.”

લલિત મોદીના જણાવ્યા અનુસાર, આઈપીએલની શરૂૂઆતની ત્રણ સીઝનમાં તેમણે ફિક્સિંગ થવા દીધું ન હતું, જેના કારણે અંડરવર્લ્ડ અને સટ્ટાબાજીનું આખું નેટવર્ક તેમનાથી ભારે નારાજ હતું. જ્યારે આઈપીએલ-2ને ભારતની બહાર દક્ષિણ આફ્રિકા શિફ્ટ કરવાનો નિર્ણય લેવાયો, ત્યારે સટ્ટાબાજોને અબજો રૂૂપિયાનું નુકસાન થયું હતું, કારણ કે સટોડિયાઓએ આઈપીએલ રદ થવા પર મોટો દાવ લગાવ્યો હતો.

આ અદાવતમાં મુંબઈમાં લલિત મોદીના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. આ સિવાય સાઉથ આફ્રિકા અને મોન્ટેનેગ્રોમાં પણ તેમની હત્યાના કાવતરાં ઘડાયા હતા, જ્યારે લંડનમાં તેમના પુત્રનું અપહરણ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સેટેલાઇટ ફોન પર દાઉદ ઇબ્રાહિમ સાથે વાતચીત
પોડકાસ્ટમાં મોટો ધડાકો કરતા મોદીએ જણાવ્યું કે, વર્ષ 2012માં લંડનની એક વગદાર વ્યક્તિ સિક્રેટ માધ્યમથી તેમની વાતચીત સેટેલાઇટ ફોન પર દાઉદ ઇબ્રાહિમ સાથે કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગેંગે ભૂતકાળમાં તેમની મદદ કરી છે, તેથી બદલામાં તેમણે પણ અંડરવર્લ્ડ માટે કંઈક કરવું પડશે. જોકે, બાદમાં દાઉદ ઇબ્રાહિમે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે તેના અને લલિત મોદી વચ્ચેનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. આ અંગે ખુલાસો કરતા મોદીએ કહ્યું કે, “મેં દાઉદ સાથે કોઈ ડીલ નહોતી કરી, મેં માત્ર એટલું જ વચન આપ્યું હતું કે હું ક્રિકેટ પ્રશાસનમાંથી કાયમ માટે નિવૃત્તિ લઈ રહ્યો છું.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *