પવિત્ર પુરુષોત્તમ માસમાં દામોદર કુંડમાં વિશાળ મગર આવી ચડતા શ્રધ્ધાળુમાં ભય

જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી…

જૂનાગઢના જગપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ દામોદર કુંડ ખાતે એક વિશાળકાય મગર આવી ચડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. હાલમાં પવિત્ર પુરષોત્તમ માસ ચાલી રહ્યો હોવાથી દામોદર કુંડ ખાતે દરરોજ વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરવા અને અસ્થિ વિસર્જન સહિતની ધાર્મિક વિધિઓ માટે ઉમટી પડતા હોય છે.

આવા ધાર્મિક માહોલ વચ્ચે અચાનક કુંડના પાણીમાં મોટો મગર દેખાતા ત્યાં હાજર લોકોમાં ભારે ગભરાટ અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો.આ ભયજનક પરિસ્થિતિ સમયે ત્યાં જ ઉપસ્થિત સ્થાનિક શ્રદ્ધાળુ ત્વરિતતા દાખવી હતી. તેમણે સમયસૂચકતા વાપરીને આ બાબતની તાત્કાલિક જાણ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓને કરી હતી. પવિત્ર કુંડમાં મગર હોવાની અને હજારો શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં હોવાની ગંભીરતાને સમજીને વનવિભાગની ટીમ પણ કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વિના તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.

વનવિભાગના ફોરેસ્ટર મકવાણા અને તેમની અનુભવી રેસ્ક્યુ ટીમે દામોદર કુંડ ખાતે પહોંચીને તાબડતોબ ઓપરેશન હાથ ધર્યું હતું. વનવિભાગની ટીમે ભારે જહેમત અને કુશળતાપૂર્વક કુંડના પાણીમાંથી આ વિશાળકાય મગરને સલામત રીતે પાંજરે પૂરી લીધો હતો એટલે કે તેનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. વનવિભાગની આ સરાહનીય અને ત્વરિત કામગીરીના કારણે દામોદર કુંડ ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ પરથી મોટો જાનમાલનો ખતરો કાયમ માટે દૂર થયો છે અને શ્રદ્ધાળુઓએ ભારે રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *